રસાયણમુક્ત પદ્ધતિથી સ્ટ્રોબેરી ખેતી, ખેડૂતો માટે આવક અને આરોગ્ય બંનેનું સંરક્ષણ
સ્ટ્રોબેરીની ખેતી હવે આધુનિક અને નફાકારક ખેતીનું પ્રતીક બની રહી છે. ખાસ કરીને જ્યારે તેને પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડવામાં આવે ત્યારે તે જમીનની ફળદ્રુપતા વધારવાની સાથે ખેડૂતોને ઊંચું વળતર પણ આપે છે. શિયાળાની ઋતુમાં સ્ટ્રોબેરીની બજારમાં ભારે માંગ રહે છે, અને રાસાયણિક મુક્ત ફળો માટે ગ્રાહકો વધુ ભાવ આપવા પણ તૈયાર હોય છે.

પ્રાકૃતિક પદ્ધતિથી સ્ટ્રોબેરીના વાવેતર માટેના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:
-
જમીનની પસંદગી અને તૈયારી: રેતાળ કે મધ્યમ કાળી અને પાણીના નિકાલ વાળી જમીન શ્રેષ્ઠ રહે છે. વાવેતર પહેલાં જમીનમાં ઘનજીવામૃત અને જીવામૃત ભેળવવાથી માટી જીવંત બને છે.
-
રોપણી અને માવજત: નર્સરીમાંથી રોગમુક્ત રોપાઓ લાવી યોગ્ય અંતરે રોપણી કરવી જોઈએ. મલ્ચિંગ (આચ્છાદન) માટે સૂકા ઘાસ કે પાંદડાનો ઉપયોગ કરવાથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે અને ફળો સીધા જમીનના સંપર્કમાં આવતા નથી.
-
પોષણ અને રક્ષણ: પિયત સાથે નિયમિત જીવામૃત આપવું. જીવાત નિયંત્રણ માટે નીમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર કે બ્રહ્માસ્ત્ર જેવા કુદરતી દ્રાવણોનો છંટકાવ કરવો, જે રાસાયણિક દવાઓનો ખર્ચ બચાવે છે.
સ્ટ્રોબેરીના પાકમાં રોપણીના ૬૦ થી ૭૦ દિવસમાં ફળ આવવાનું શરૂ થાય છે. પ્રાકૃતિક રીતે પકવેલી સ્ટ્રોબેરી દેખાવમાં આકર્ષક, સ્વાદમાં વધુ મીઠી અને લાંબા સમય સુધી તાજી રહે છે. આ પદ્ધતિથી ખેડૂતો ખર્ચ ઘટાડીને વધુ નફો મેળવી શકે છે અને ગ્રાહકોને ઝેરમુક્ત આહાર પૂરો પાડી શકે છે.
