અમદાવાદ તા.6 : પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે હુંકાર કર્યો છે કે હું ગુજરાતમાંથી ભાજપનો સફાયો કરી નાંખીશ અને 2017માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતનાં રાજકીય સમીકરણો બદલી નાખીશ. હાર્દિક પટેલે કહ્યું છે કે મને લાગે છે કે પોતે જનતાની નાડ પારખે છે.અમદાવાદના એક અંગ્રેજી અખબારને આપેવી મુલાકાતમાં 23 વર્ષના હાર્દિક પટેલે અનામત મુદે કહ્યું છે કે, હું એસસી, એસટી અને ઓબીસી અનામતની વિરૂધ્ધમાં નથી. મારા માનવા મુજબ દેશના વિકાસ માટે અનામત જરૂરી છે. ભગતસિંહને પોતાનો હિરો ગણાવી હાર્દિક પટેલે સંપૂર્ણ આઝાદીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.હાર્દિક પટેલે દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદી અને તેમની સરકાર મારાથી ડરી ગઇ છે.
મોદીજી અને અમિત શાહથી છુપાવવા કે ડરવા જેવું મારી પાસે કશુ નથી કેમ કે તમે કોઇની ઉપર રાજદ્રોહનો આરોપ લગાવવાથી વધુ ખરાબ શું કરી શકો ?હાર્દિકે કહ્યું છે કે, ભાજપવાળા પહેલાં જ મારા પર રાજદ્રોહનો આરોપ લગાવી ચૂકયા છે અને 9 મહિના મને જેલમાં પણ મોકલી ચૂકયા છે. આ બધાથી હું વધુ મજબૂત બન્યો છે અને મારા ઇરાદાઓને વધુ બળ મળ્યુ છે. મારી પાસે જનતા છે, યુવાનો છે અને મારી ઉંમર મારી સાથે છે.હાર્દિકે ભાજપના વિજયને કોંગ્રેસની નિષ્ફળતાનું ફળ ગણાવ્યું છે. હાર્દિકે કહ્યું કે, કોંગ્રેસ યુવાનોનાં સપના પર ખરી ઉતરી હોત તો ભાજપને વિજય ના મળ્યો હોત. હાર્દિકે કહ્યું કે, મારા પરિવારે ભાજપને જીતાડવા મહેનત કરેલી પણ ભાજપ સતા અપાવવા મહેનત કરનારાંને ભૂલી ગયો. ભાજપ હવે અમારૂ પ્રતિનિધિત્વ નથી કરતો.પાટીદાર સમુદાય સૌથી વધુ પ્રભાવશાળી સમુદાય છે ત્યારે આ સમાજ માટે અનામતની માંગ શા માટે કરો છો ? આ સવાલના જવાબમાં હાર્દિકે કહ્યું કે, આ ગેરસમજ છે. ગારીયાધાર કે અમરેલી જાવ તો પટેલોની હકીકત ખબર પડશે. પાંચ પટેલ અમીર હોય તો એનો અર્થ એ નથી કે સમગ્ર રાજયમાં પાટીદારોની સ્થિતિ સારી છે.હાર્દિકે સવાલ કર્યો કે, જો અમેરિકા જેવાં રાષ્ટ્ર આ મુદે સકારાત્મક વલણ અપનાવી શકે તો ભારત કેમ નહી ? હું કોઇ ભીખ નથી માંગતો, હું માત્ર સરકારી નોકરીઓ અને પ્રવેશમાં પાટીદારોને સમાન તકની માંગણીઓ કરી રહ્યો છું. હાર્દિકે પોતાના કોંગ્રેસ કે બીજા રાજકીય પક્ષમાં જોડાવા અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી.