નવી દિલ્હી તા.6 : સંસદમાં આજે બજેટ સત્ર દરમિયાન લોકસભામાં સાંસદ ઇ અહમદના અવસાનને લઇને વિપક્ષ દ્વારા હોબાળો મચાવતા લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.કોંગ્રેસ અને લેફ્ટ ફ્રન્ટે ઇ અહમદની અવસાનની ઘટનાની તપાસની માંગણીને લઇને ગાંધી સ્ટેચ્યૂ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. રાહુલ ગાંધી પણ આ વિરોધમાં સામેલ થયા હતા. વિપક્ષી નેતાઓએ માંગણી કરી હતી કે સાંસદ ઇ અહમદના મૃત્યુ કયા સમયે થઇ અને તેમના પરિવારનો સભ્યોની મુલાકાત કેમ ન કરવામાં આવી તે અંગેની તપાસ થવી જોઇએ. લોકસભામાં પણ સાંસદ કેસી વેણુગોપાલ અને પ્રેમા ચંદ્રને ઇ અહમદના મૃત્યુની તપાસને લઇને કાર્યવાહી રોકો પ્રસ્તાવ પણ આપ્યો હતો.
સાંસદ પ્રેમા ચંદ્રને ઇ અહમદના મોતની ઘટનામાં હોસ્પિટલના વહીવટીતંત્ર પર મોતની ખબર આપવામાં મોડું કર્યાનો આરોપ લગાવ્યો છે. કેરળથી લોકસભા સાંસદ ઇ અહમદના અવસાનને લઇને મુખ્યમંત્રી પિનરાઇ વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવા માટે અપીલ કરી હતી.વિપક્ષી પાર્ટીએ પણ અહમદની મોત બાદ બજેટ ટાળવા માટે પણ માંગણી કરી હતી પરંતુ બજેટ પોતાની નિશ્ચિત કરવામાં આવેલી યોજના અનુસાર પહેલી ફેબ્રુઆરીએ જ રજૂ કરવામાં આવ્યુ હતુ.