નવી દિલ્હી : ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020) ની આગામી સીઝનથી પીછેહઠ કરી છે. વોક્સ આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમવાનો હતો. આઈપીએલની 13 મી સીઝનની શરૂઆત ચેન્નઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 29 માર્ચે મુંબઇમાં યોજાનારી મેચથી થશે.
સ્કાય સ્પોર્ટ ડોટ કોમના એક અહેવાલે પીએ એજન્સીને ટાંકીને જણાવ્યું છે કે, વોક્સે ફ્રેન્ચાઇઝીને આ વિશે જાણ કરી દીધી છે અને ફ્રેન્ચાઇઝીએ પણ તેમના વિકલ્પોની શોધખોળ શરૂ કરી દીધી છે. રિપોર્ટ અનુસાર વોક્સે કહ્યું છે કે, તે ઉનાળામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ માટે પોતાને તાજો (ફ્રેશ) રાખવા માંગે છે.
આઇપીએલની હરાજીમાં વોક્સને દિલ્હી કેપિટલ્સ દ્વારા 1.50 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. દિલ્હી કેપિટલ્સ માટે આ બીજા ખરાબ સમાચાર છે, કેમ કે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કેગીસૉ રબાડા અને ઇશાંત શર્મા પહેલાથી જ ઈજાઓનો સામનો કરી રહ્યા છે.