ઘણી વખત સરકારી હોસ્પિટલમાં દવાની શોર્ટેજ હોય છે, તો બીજી તરફ દર્દીઓના કામની મહત્ત્વની દવા જ કોઈકના ઘરમાં ધૂળ ખાતી હોય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અને વણવપરાયેલ મોંઘી દવાઓનો યોગ્ય ઉપયોગ થાય તે માટે કોલકાતાના 11 વર્ષના યુવરાજ શાહે એપ બનાવી છે. આ એપમાં લોકો પોતાની પાસે રહેલી વણવપરાયેલ અને એક્સપાયરી ડેટ ન વટાવી હોય તેવી દવાઓ ડોનેટ કરી શકે છે. યુવરાજે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ‘મેડમેઝ’ (Medmaze) નામની એપ બનાવી છે. આ એપની મદદથી ગ્રાહકો દવા એક્સ્પાયર થઈ જાય તે પહેલાં સરકારી હોસ્પિટલને ડોનેટ કરી શકશે. એકવાર યુવરાજે જોયું કે, તેના દાદાની દવાનો કોર્સ પૂરો થઈ ગયો હતો તેમ છતાં પણ ઘણી દવાઓ પડી રહી હતી. યુવરાજને ત્યારે વિચાર આવ્યો કે, આ દવા ઘરમાં પડી રહે તેના કરતાં કોઈ જરૂરિયાતમંદને કામ આવી શકે છે. આ ઘટના બાદ યુવરાજને થયું કે આ વણવપરાયેલ દવા વેસ્ટ જાય તેના કરતાં કોઈને કામ લાગે તો કેટલું સારું! ત્યારબાદ તેણે એપ બનાવવાનું નક્કી કર્યું જેના પર દેશના લોકો આવી પોતાની પાસે પડી રહેલ નકામી દવાઓ ડોનેટ કરી શકે છે. WhiteHat Jr કોડિંગ પ્લેટફોર્મની મદદથી યુવરાજે આ એપ બનાવી છે.
એપની મદદથી કઈ રીતે દવા ડોનેટ કરશો?
આ એપમાં યુઝરે લોગ ઇન કરીને પોતાની પાસે રહેલી દવાનું નામ, એક્સપાયરી ડેટ અને નંબર ઓફ સ્ટ્રિપ્સ જેવી વિગતો જેવી વિગતો એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ હોસ્પિટલ પણ લોગ ઈન કરીને જોઈ શકશે કે કઈ દવા હાલ અવેલેબલ છે! એપની મદદથી યુઝર અને હોસ્પિટલનો કોન્ટેક્ટ થઈ શકશે અને કોઈ જરૂરિયાતમંદને ફ્રીમાં દવા મળશે. WhiteHat Jr દ્વારા સિલિકોન વેલી પ્રોગ્રામનું આયોજન થયું હતું જેના 12 વિજેતાઓમાંનો એક યુવરાજ હતો. આ સ્પર્ધામાં ભારતમાંથી 7000થી વધુ એપ્સની એન્ટ્રીઓ આવી હતી. તેમાંથી યુવરાજની ઓરિજિનલ આઈડિયા ધરાવતી અને રીયલ લાઈફ પ્રોબ્લેમ સોલ્વ કરતી એપની પસંદગી થઇ. કંપનીના CEOએ કહ્યું કે, હાલના બાળકો રૂટિન સમસ્યાને લઈને ઘણા માહિતગાર હોય છે અને તેને ધ્યાનમાં રાખીને જ તેઓ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. 40 કલાકનું કોડિંગ કરીને ઘણા બાળકોને ક્રિએટિવ એપ બનાવતા જોયા છે, યુવરાજે પણ તેની ક્રિએટિવિટીનો ભરપૂર ઉપયોગ કર્યો છે.