નવી દિલ્હી : ટેક કંપની માઇક્રોસોફટે જાહેરાત કરી છે કે સહ-સ્થાપક બિલ ગેટ્સે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપી દીધું છે. કંપનીએ કહ્યું કે, બિલ ગેટ્સ હવે સામાજિક કાર્યમાં વધુ સમય આપવા માંગે છે. માઇક્રોસોફ્ટે કહ્યું કે, ગેટ્સ વૈશ્વિક આરોગ્ય અને શિક્ષણ માટે વધુ કામ કરવા ઇચ્છુક છે. તેથી જ તેઓ આ જવાબદારી છોડી રહ્યા છે.
64 વર્ષીય ગેટ્સે લગભગ એક દાયકા પહેલાં ઓફિસના રોજિંદા કામમાં જોડાવાનું છોડી દીધું હતું. જોકે, તે ટેક્નિકલ સલાહકાર તરીકે માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાડેલા સાથે જોડાયેલા રહેશે. 2014 ની શરૂઆતથી ગેટ્સ માઇક્રોસોફ્ટના ડિરેક્ટર બોર્ડના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા હતા અને હવે તે અહીંથી દૂર થઇ રહ્યા છે.
માઇક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને કંપનીના દિગ્ગજ નેતા સત્ય નાડેલાએ એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી બિલ સાથે કામ કરવું અને શીખવું એ ખૂબ જ સન્માન અને સવલતની વાત છે. નાડેલાએ એમ પણ કહ્યું હતું કે ગેટ્સ તકનીકી સલાહકાર તરીકે કંપની સાથે સંકળાયેલા હશે અને અમે તેમની સલાહ લેતા રહીશું.
ગેટ્સે વર્ષ 2000 માં માઇક્રોસોફ્ટના સીઇઓ પદેથી રાજીનામું આપ્યું હતું અને કંપનીની કમાન સ્ટીવ બાલ્મરને આપવામાં આવી હતી. સત્ય નાડેલા માઇક્રોસોફ્ટના સીઈઓ બન્યા બાદ ગેટ્સે 2014 માં અધ્યક્ષ પદ પણ છોડી દીધું હતું. વિશ્વના ધનિક લોકોની યાદીમાં બિલ ગેટ્સનું નામ નિયમિતપણે આવે છે. એવું કહેવામાં આવે છે કે તેણે 13 વર્ષની વયથી પ્રોગ્રામિંગ શરૂ કર્યું હતું.