₹2,500 કરોડના કૌભાંડનો પર્દાફાશ એટલે જેલમાં ધકેલાયા’ – કેજરીવાલનો આક્ષેપ
ડેડિયાપાડાના પીઠા મેદાનમાં 24 જુલાઈના રોજ આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારપૂર્વક ચૈતર વસાવાની ધરપકડનો વિરોધ વ્યક્ત થયો. રાજ્યભરના અનેક વિસ્તારમાંથી લોકોએ ભારે વરસાદ વચ્ચે પણ હાજરી આપી. ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવાયા હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યો છે.
માઠા હવામાન વચ્ચે ભીડ ઉમટતી રહી
વરસાદ વચ્ચે પણ પીઠા મેદાનમાં લોકો ઉમટી પડ્યા હતા. હજારોની સંખ્યામાં લોકો ખુરશી માથે મૂકી વરસાદમાં ઉભા રહ્યા હતા. આ ઉમટ રહેલી ભીડે એ સાબિત કર્યું કે, આદિવાસી સમાજ ચૈતર વસાવાની સાથમાં છે.
કેજરીવાલ અને ભગવંત માને કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા
જાહેરસભામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર અને ભાજપ સરકાર પર સીધા આક્ષેપ કર્યા. કેજરીવાલે જણાવ્યું કે, “ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા થઈને લોકોની લૂંટ કરે છે.” તેમણે ચૈતર વસાવાની ધરપકડને રાજકીય ષડયંત્ર ગણાવી હતી. કેજરીવાલે દાવો કર્યો કે, “ચૈતર વસાવાએ રૂ. 2,500 કરોડનું કૌભાંડ બહાર લાવ્યું, એટલે તેમને જેલમાં ધકેલવામાં આવ્યા.”
‘ચૈતર વસાવા બબ્બર શેર છે’
સભામાં કેજરીવાલે ભારપૂર્વક જણાવ્યું કે, “ભાજપ ચૈતર વસાવાને ડરાવવા માગે છે, પણ એમને ખબર નથી કે એ બબ્બર શેર છે.” બીજી તરફ ભગવંત માને સરકાર પર આરોપ મૂક્યો કે, પશુપાલકો અને ગરીબોની નાણાં ખાઈ જતી આ સરકાર અહંકારી છે.
ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાના આક્ષેપો
ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ રાજ્ય સરકાર અને પોલીસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, “આદિવાસી સમાજના હક માટે ગોળી ખાવા તૈયાર છીએ.”
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપની વિચારધારાની ટીકા કરતાં કહ્યું કે, “ભાજપ આદિવાસી યુવાનને મજૂર બનાવવાનું ઈચ્છે છે, જ્યારે આમ આદમી પાર્ટી તેમને ધારાસભ્ય બનાવે છે.”
વર્ષાબેનનો પોલીસ પર ગંભીર આક્ષેપ
ચૈતર વસાવાની પત્ની વર્ષાબેને કહ્યું કે, તેમની ધરપકડ રાજકીય ષડયંત્રનો હિસ્સો છે અને પોલીસે ક્રાઇમ બ્રાન્ચના માધ્યમથી અમાનવીય રીતે ધરપકડ કરી. તેમણે આરોપ મૂક્યો કે, પોલીસ અધિક્ષકના ઈશારે સમગ્ર બનાવને રાજકીય રંગ આપવામાં આવ્યો છે.
‘જેલ કે તાલે તૂટેંગે, ચૈતર વસાવા છૂટેંગે’ના નારા સાથે સમર્થન
આજની સભામાં “જેલ કે તાલે તૂટેંગે, ચૈતર વસાવા છૂટેંગે” જેવા નારા ગૂંજી ઊઠ્યા. અનેક સમર્થકોને કહ્યું કે, ચૈતર વસાવા આદિવાસી સમાજના હીરો છે.
અભૂતપૂર્વ જનહાજરી અને ભારે ટ્રાફિક વ્યવસ્થા
સભા સ્થળે ચારથી પાંચ કિમી સુધી વાહનો પાર્ક કરાયા હતા. આજુબાજુના ગામડાઓમાંથી આવેલ લોકોને પગપાળા સભા સ્થળે જવું પડ્યું. પોલીસ અને સ્વયંસેવી કાર્યકરો દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી.
સત્તાધારીઓ તરફથી વિરોધ પણ થયો
જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે કહ્યું કે, ચૈતર વસાવાએ સરકારી અધિકારીઓ સાથે અશોભનિય વર્તન કર્યું છે. ભાજપે આ સભાને ‘શાંતિ ડહોળવાનો પ્રયાસ’ ગણાવ્યો.
આમ આદમી પાર્ટીની ડેડિયાપાડા સભા માત્ર એક સભા નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં રાજકીય ચર્ચાનો વિષય બની રહી. ભારે વરસાદ વચ્ચે થયેલી ભીડ અને ચૈતર વસાવાના સમર્થનમાં ઉઠેલા નારા રાજ્યના રાજકારણમાં ઉંડા પગલાં મૂકી શકે છે.\