અમેરિકા પછી બ્રિટને ભારતને આપ્યો આંચકો, તેલ કંપની પર લગાવી દીધા આર્થિક પ્રતિબંધો, જાણો શું થશે અસર
બ્રિટનનું કહેવું છે કે આ પગલાંનો હેતુ રશિયાની આર્થિક તાકાત નબળી પાડવાનો અને યુક્રેન યુદ્ધ માટેના તેના ફંડિંગને રોકવાનો છે.
બ્રિટને રશિયા વિરુદ્ધના તેના આર્થિક પગલાં વધુ સખત બનાવતા એક મોટો નિર્ણય લીધો છે. આ વખતે નિશાના પર માત્ર રશિયા જ નહીં, પરંતુ ભારત અને ચીનની કેટલીક તેલ કંપનીઓ પણ આવી ગઈ છે. બ્રિટિશ સરકારે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને લઈને રશિયાના ફંડિંગને રોકવા માટે નવા આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. આ પ્રતિબંધોની સૌથી ચિંતાજનક વાત એ છે કે તેમાં ભારતની મોટી ઊર્જા કંપની ન્યારા એનર્જી (Nayara Energy) નું નામ પણ સામેલ છે, જે રશિયા પાસેથી મોટી માત્રામાં ક્રૂડ ઓઇલની ખરીદી કરતી રહી છે.
આ નિર્ણય એવા સમયે લેવાયો છે, જ્યારે બ્રિટિશ વડાપ્રધાન તાજેતરમાં જ ભારતની મુલાકાત લઈને પાછા ફર્યા છે. તેના થોડા દિવસો બાદ બ્રિટને આ નવા પ્રતિબંધોની ઘોષણા કરી. સરકારનું કહેવું છે કે આ પગલાંનો હેતુ રશિયાની આર્થિક તાકાત નબળી પાડવાનો અને યુક્રેન યુદ્ધ માટેના તેના ફંડિંગને રોકવાનો છે.
બ્રિટિશ ચાન્સેલર રેચલ રીવ્ઝ એ કહ્યું કે, “રશિયા હવે વૈશ્વિક તેલ બજારમાંથી ધીમે ધીમે બહાર થઈ રહ્યું છે અને બ્રિટન એ સુનિશ્ચિત કરશે કે કોઈ પણ દેશ કે કંપની તેના તેલ વેપારને ટેકો ન આપી શકે.” તેમણે વધુમાં કહ્યું, “અમે તે તમામ કંપનીઓ પર દબાણ બનાવીશું જે રશિયાને મદદ કરી રહી છે. ભલે તે ભારતમાં હોય કે ચીનમાં. રશિયાના તેલ માટે હવે વૈશ્વિક બજારોમાં કોઈ જગ્યા નથી.”
ન્યારા એનર્જી પર પ્રતિબંધનું કારણ
ભારતની ન્યારા એનર્જી એક મુખ્ય ખાનગી તેલ રિફાઇનરી કંપની છે, જેણે ગયા વર્ષે રશિયા પાસેથી વિક્રમી સ્તરે તેલ ખરીદ્યું હતું.
રિપોર્ટ્સ મુજબ, વર્ષ 2024 માં ન્યારા એનર્જીએ લગભગ 100 મિલિયન બેરલ રશિયન ક્રૂડ ઓઇલ ની આયાત કરી, જેની કિંમત આશરે 5 બિલિયન ડોલર (લગભગ 41 હજાર કરોડ રૂપિયા) હતી.
બ્રિટિશ સરકારે આ વાત પર નારાજગી વ્યક્ત કરી કે ભારત અને ચીનની કેટલીક કંપનીઓ રશિયા પાસેથી તેલ ખરીદીને તેની અર્થવ્યવસ્થાને મજબૂત કરી રહી છે.
સરકારનું માનવું છે કે આ ખરીદીઓ રશિયાને યુક્રેન યુદ્ધમાં લડાઈ ચાલુ રાખવાની આર્થિક ક્ષમતા આપે છે, તેથી ન્યારા એનર્જી પર લગાવવામાં આવેલા આ પ્રતિબંધો બ્રિટનના તે પ્રયાસનો ભાગ છે, જેના હેઠળ તે રશિયાના કોઈપણ આર્થિક સહયોગી પર સકંજો કસવા માંગે છે.
રશિયાની તેલ કંપનીઓ અને ટેન્કરો પર પણ કાર્યવાહી
બ્રિટને માત્ર ભારતીય કંપની પર જ નહીં, પરંતુ રશિયાની બે મોટી તેલ કંપનીઓ અને તેના ‘શેડો ફ્લીટ’ પર પણ પ્રતિબંધો લગાવ્યા છે.
શેડો ફ્લીટ એ જહાજો છે, જે દરિયાઈ દેખરેખથી બચતા રશિયન તેલને અલગ-અલગ દેશોમાં પહોંચાડે છે.
સરકારના જણાવ્યા મુજબ, આ જહાજોની સંખ્યા લગભગ 44 છે અને તે દરરોજ લાખો બેરલ તેલ લઈને વૈશ્વિક બજારોમાં જાય છે.
બ્રિટનનું કહેવું છે કે આ ટેન્કરો અને કંપનીઓને બ્લેકલિસ્ટ કરવાથી રશિયા માટે આંતરરાષ્ટ્રીય તેલ વેપાર કરવો ખૂબ મુશ્કેલ બની જશે.
આ પ્રતિબંધોને કારણે વીમો, ચુકવણી અને બંદર સેવાઓ પર અસર પડશે, જેનાથી રશિયાના તેલ પુરવઠા પર સીધો પ્રભાવ પડશે.
વૈશ્વિક તેલ બજાર પર અસર
બ્રિટનના આ પગલાથી વૈશ્વિક તેલ બજારમાં નવી અનિશ્ચિતતા ઊભી થઈ છે.
જો રશિયાના સપ્લાય પર રોક લાગે છે, તો તેલની કિંમતોમાં અસ્થાયી વધારો આવી શકે છે.
બીજી તરફ, રશિયા પોતાના જૂના ગ્રાહકોને જાળવી રાખવા માટે તેલને ભારે ડિસ્કાઉન્ટ પર વેચી શકે છે, જેનાથી કેટલાક દેશોમાં કિંમતો ઓછી પણ થઈ શકે છે.
અમેરિકી તેલ ખરીદશે ભારત
ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં એક નવો અધ્યાય ખુલવા જઈ રહ્યો છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલ ની વાતચીત વચ્ચે ભારત સરકારે સંકેત આપ્યો છે કે તે અમેરિકી તેલ અને ગેસની ખરીદીને વધારવા માટે તૈયાર છે. આ નિર્ણય માત્ર વ્યાપારિક દૃષ્ટિકોણથી જ નહીં, પરંતુ બંને દેશો વચ્ચેના આર્થિક અને રાજકીય સહયોગને પણ નવી દિશા આપી શકે છે.
ભારત લાંબા સમયથી ઊર્જા સુરક્ષાને લઈને પોતાની નીતિઓમાં સંતુલન જાળવવાનો પ્રયાસ કરતું આવ્યું છે. અમેરિકા ભારત માટે એક મુખ્ય ઊર્જા ભાગીદાર રહ્યું છે. જોકે તાજેતરના મહિનાઓમાં અમેરિકાથી થતી તેલ અને ગેસની આયાત ઘટીને 12 થી 13 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે, છતાં ભારત હવે આ આંકડાને વધારવા માટે આશાવાદી છે.