ફોનપે અને ગૂગલ પે માટે જોખમની ઘંટી, Arattai પછી હવે Zoho લાવશે UPI એપ
ભારતીય કંપની ઝોહો છેલ્લા કેટલાક સમયથી ધૂમ મચાવી રહી છે. કંપનીની ઘણી એપ્સ અને સર્વિસીસ સતત પોપ્યુલર થઈ રહી છે. હવે ઝોહો યુપીઆઈ પેમેન્ટ એપ લાવવાની તૈયારી કરી રહી છે.
Arattai એપ અને Ulaa બ્રાઉઝર સાથે ધૂમ મચાવનારી ઝોહો (Zoho) હવે Paytm અને PhonePe જેવી એપ્સના પરસેવા છોડાવવાની તૈયારીમાં છે. અહેવાલો મુજબ, ઝોહો હવે UPI-આધારિત કન્ઝ્યુમર પેમેન્ટ પ્લેટફોર્મ Zoho Pay લૉન્ચ કરશે, જે Paytm, PhonePe અને Google Payને સીધી ટક્કર આપશે.
જણાવી દઈએ કે ઝોહોની Arattai એપને WhatsAppના મેડ ઇન ઇન્ડિયા વિકલ્પ (ઓલ્ટરનેટિવ) તરીકે જોવામાં આવી રહી છે અને છેલ્લા કેટલાક દિવસોથી તેના ડાઉનલોડની સંખ્યા ઝડપથી વધી છે. આ જ રીતે Ulaa બ્રાઉઝર પણ ગૂગલ ક્રોમને સખત ટક્કર આપી રહ્યું છે.

Zoho Pay એક સ્ટેન્ડઅલોન એપ હશે
અહેવાલો અનુસાર, Zoho Pay એક સ્ટેન્ડઅલોન એપ હશે અને તેને Arattai મેસેન્જરમાં પણ ઇન્ટિગ્રેટ કરી શકાય છે. આનાથી WhatsAppની જેમ Arattai યુઝર્સને પણ એક જ એપમાં ચેટિંગ અને પેમેન્ટ બંને વિકલ્પ મળી જશે.
ઝોહો પાસે પહેલાથી જ પેમેન્ટ-એગ્રીગેટર લાઇસન્સ છે અને તે ઝોહો બિઝનેસ દ્વારા બિઝનેસ પેમેન્ટ ઓફર કરી રહી છે. હવે UPI પેમેન્ટ ઇકોસિસ્ટમમાં આવવાથી માર્કેટમાં સ્પર્ધા વધશે અને પહેલાથી જ પોતાના પગ જમાવી ચૂકેલી કંપનીઓને પણ નવો પડકાર મળશે.
ક્યારે લૉન્ચ થવાની અપેક્ષા છે?
હજી સુધી Zoho Pay એપની લૉન્ચ થવાની તારીખ સામે આવી નથી, પરંતુ અટકળો લગાવવામાં આવી રહી છે કે આવતા ત્રિમાસિક ગાળામાં તેને લૉન્ચ કરી શકાય છે. હાલમાં આ એપનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને તેને એન્ડ્રોઇડની સાથે-સાથે iOS માટે પણ લૉન્ચ કરવામાં આવશે.

UPI દ્વારા થાય છે સૌથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન
ભારતનું ડિજિટલ પેમેન્ટ નેટવર્ક દુનિયામાં સૌથી વધુ સક્રિય છે. અહીં UPI દ્વારા સૌથી વધુ ડિજિટલ પેમેન્ટ થાય છે. એક તાજા રિપોર્ટ મુજબ, 2024માં UPI દ્વારા 17,221 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા, જ્યારે 2019માં આ સંખ્યા 1,079 કરોડ હતી. આ ટ્રાન્ઝેક્શનની કુલ કિંમત જોવામાં આવે તો 2019માં ₹18.4 લાખ કરોડનું લેવડદેવડ થયું હતું, જ્યારે 2024માં આ સંખ્યા વધીને લગભગ ₹247 લાખ કરોડ થઈ ગઈ હતી.

