Climate-resilient rice variety Pusa DST 1 : પુસા ચોખા DST 1: ઓછા પાણીમાં વધારે ઉપજ આપતી, મીઠા-સહિષ્ણુ નવી ડાંગર જાત
Climate-resilient rice variety Pusa DST 1 : ભારતમાં ઘણા વિસ્તારોમાં પાણીની કટોકટી અને જમીનમાં વધતી ખારાશના કારણે ડાંગરની ખેતી ખતરનાક બની ગઈ છે. ખેડૂતો માટે આ પરિસ્થિતિ માત્ર ખર્ચાળ નથી, પણ રિઝલ્ટ પણ અનિશ્ચિત છે. આવા પડકારજનક વાતાવરણમાં દિલ્હી સ્થિત ICAR-IARI (ભારતીય કૃષિ સંશોધન સંસ્થા)ના વૈજ્ઞાનિકોએ CRISPR-Cas9 ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવી ડાંગર જાત વિકસાવી છે – તેનું નામ છે પુસા ચોખા DST 1.
શું છે પુસા ચોખા DST 1?
પુસા DST 1 એ અદ્યતન જનીન સંપાદન પદ્ધતિ દ્વારા વિકસાવવામાં આવેલ ચોખાની જાત છે. CRISPR-Cas9 ટેક્નોલોજીથી તૈયાર કરાયેલી આ જાત કોઈ વિદેશી જીન્સ નહીં દાખલ કરતાં, છોડના કુદરતી લક્ષણોને વધુ મજબૂત બનાવે છે. આ જાતને ખાસ કરીને દુષ્કાળ અને ખારી જમીનમાં પણ સારું પ્રદર્શન કરવાનું લક્ષ્ય રાખીને તૈયાર કરવામાં આવી છે.
ખાસિયતો જે તેને અન્યોથી જુદી બનાવે છે
પાણી બચાવે છે: આ જાતમાં પાંદડા પર સ્ટોમાટાની સંખ્યા ઓછી હોય છે, જેના કારણે છોડમાં ભેજ જળવાય રહે છે અને ઓછું પાણી પૂરું પડે છે.
મીઠા સહનશીલતા: અન્ય જાતો જ્યાં ખારી જમીનમાં નબળી ઉપજ આપે છે, ત્યાં DST 1 સ્થિર રીતે ઊગે છે અને સારી ઉપજ આપે છે.
ઉચ્ચ ઉપજ: પરિક્ષણોમાં આ જાતે 9.66% થી લઈને 30.4% જેટલો વધુ ઉપજ વધારો દર્શાવ્યો છે.
દૂષ્કાળ પ્રતિકારક: ઓછા પાણીવાળી પરિસ્થિતિમાં પણ છોડ તણાવના કોઈ લક્ષણ બતાવ્યા વિના સ્થિરપણે વિકસે છે.
ઊર્જા બચાવતી: ઓછું પંપિંગ જરૂરી હોવાથી વીજળીના ઉપયોગમાં પણ ઘટાડો થાય છે.
ખેડૂત માટે અસરકારક વિકલ્પ
આ જાત ખાસ કરીને ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોના ખેડૂતો માટે આશાનો કિરણ બની શકે છે. જ્યાં પાણીને લઈને ગંભીર સમસ્યાઓ છે અથવા જમીન ક્ષારયુક્ત બની ગઈ છે, ત્યાં DST 1 એક ટકાઉ વિકલ્પ પૂરું પાડે છે. ઓછા પ્રમાણમાં ખાતર, પાણી અને તણાવ હોવા છતાં વધુ ઉપજ – આ દરેક લાભ ખેડૂતોને ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં સહાયરૂપ થાય છે.
સરકારની યોજનાઓ સાથે સમન્વય
DST 1 જેવી જાતો PM-KUSUM અને ‘મોર ક્રોપ પર ડ્રોપ’ જેવી યોજનાઓને પણ આધાર આપે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, વિસ્તરણ અધિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂતોના સહયોગથી તેની વ્યાપકતા વધારી શકાય છે.
ભવિષ્ય માટેનું કદમ
DST 1 માત્ર નવી જાત નથી, પણ ભારતની આબોહવા-સ્માર્ટ ખેતી તરફ આગળ વધવાનું એક મહત્વપૂર્ણ પગલું છે. જ્યારે કૃષિમાં ઓછી આવક અને વધારે જોખમના સમય ચાલી રહ્યો છે, ત્યારે આ જાત ખેડૂતોને સ્થિરતા અને આશા બંને આપી શકે છે.