Earned 5 Lakh from Vegetable Farming: ગામમાં રહી ઊભું કર્યું સફળ ખેતી મૉડેલ, હરેન્દ્ર શાહ બન્યા અન્ય યુવાનો માટે પ્રેરણા
Earned 5 Lakh from Vegetable Farming: શહેરી રોજગારની શોધમાં ગામ છોડવા જેવો ટ્રેન્ડ જોવા મળે છે, તે વચ્ચે ઉત્તરાખંડના ગેરસેન બ્લોકના મેહલચૌરી પોસ્ટ વિસ્તારના સિલંગા ગામના યુવક હરેન્દ્ર શાહે હમણાં એક અનોખુ ઉદાહરણ પુરૂ પાડી દીધૂ છે. શહેરની ગતિશીલતાને છોડીને પોતાના ગામમાં રહીને ખેતીને વ્યવસાય તરીકે અપનાવ્યો અને એક સફળ ખેડૂત તરીકે ઓળખ બનાવી.
હરેન્દ્રના પિતા મેહરબાન સિંહ પહેલાં ચંદીગઢની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. નિવૃત્તિ બાદ ઘરના ખર્ચની જવાબદારી હરેન્દ્રના ખભે આવી. અભ્યાસ અધૂરો રહી ગયો, અને જીવન ચલાવવા માટે તેમને નજીકના બજારમાં મોબાઇલ દુકાનમાં માત્ર ₹3,000 મહિના પગાર પર નોકરી સ્વીકારી.
આટલી ઓછી આવકમાં પરિવાર ચલાવવો અશક્ય લાગતા હરેન્દ્રએ નિર્ણય કર્યો કે હવે ગામની જમીન પર ખેતી દ્વારા પોતાનું ભવિષ્ય બનાવશે. શાકભાજીની માંગ, ખર્ચ અને નફાની સંપૂર્ણ માહિતી એકઠી કરીને, મિત્રો અને પરિવારના સહયોગથી ખેતી શરૂ કરી.
સિલંગા ગામના ‘ખીલ’ વિસ્તારમાં પોતાના પૂર્વજોની 10 નાળી જમીન પર બે પોલીહાઉસ બનાવીને ઓર્ગેનિક શાકભાજીની ખેતી શરૂ કરી. વટાણા, કોબીજ, કેપ્સિકમ, ટામેટાં, ડુંગળીથી લઈને રીંગણ અને કઠોળ સુધીની વિવિધ પાકોની ખેતી તેમણે પ્રારંભ કરી.
શરૂઆતમાં લોકોએ શંકાની નજરે જોયું, પણ હરેન્દ્રએ પોતાના ઈરાદા પર અઢળક વિશ્વાસ રાખ્યો. આજે તેઓ માત્ર પોતાનું જીવન બદલતા નથી, પરંતુ અન્ય યુવાન ખેડૂતો માટે પણ પ્રેરણાસ્ત્રોત બન્યા છે. છેલ્લા વર્ષે તેમણે ₹5 લાખથી વધુ નફો કમાવ્યો છે અને ગામના અન્ય ચાર યુવાનોને રોજગાર આપ્યો છે.
હરેન્દ્ર ઓર્ગેનિક ખેતી કરે છે જેના કારણે બજારમાં તેનો પાક ઝડપથી વેચાઈ જાય છે. હવે તેઓ ખેતીના વ્યાપારને વધુ વિસ્તૃત કરવાનો વિચાર કરી રહ્યા છે જેમાં ડેરી ઉદ્યોગ, મરઘાં અને માછલીઓ ઉછેર તેમજ કીવી અને મશરૂમની ખેતીનો પણ સમાવેશ થાય છે.
આ રીતે હરેન્દ્ર શાહે બતાવી દીધું છે કે જો ઈરાદા મજબૂત હોય તો ગામડાંમાં રહીને પણ મોટી સફળતા મેળવી શકાય છે.