Edible Oil Price: ખાદ્ય તેલના ભાવમાં રાહત આપતો નિર્ણય
Edible Oil Price: કેન્દ્ર સરકારે શુક્રવારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા ક્રૂડ પામ તેલ, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરી છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના નાગરિકોને ખાદ્ય તેલના ઊંચા ભાવથી રાહત આપવાનો અને સ્થાનિક રિફાઈનિંગ ઉદ્યોગને સુરક્ષિત કરવાનો છે. નાણામંત્રાલયે આ નિર્ણયની અમલવારી માટે તાત્કાલિક અસરથી સૂચના પણ જારી કરી છે.
ભારત હાલમાં તેની કુલ ખાદ્ય તેલ જરૂરિયાતનો લગભગ 50 ટકાથી વધુ આયાત કરીને પૂર્ણ કરે છે. ફાઇનલ આંકડા મુજબ 2023-24ના તેલ માર્કેટિંગ વર્ષમાં દેશે 159.6 લાખ ટન ખાદ્ય તેલની આયાત કરી હતી, જેનું મૂલ્ય રૂ. 1.32 લાખ કરોડ જેટલું હતું.
હવે આયાત ડ્યુટી થશે ઓછી
કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ માહિતી આપી હતી કે નવા નિર્ણય પ્રમાણે, ઉપરોક્ત ત્રણેય ક્રૂડ ખાદ્ય તેલ પર બેઝિક કસ્ટમ ટેક્સ હવે માત્ર 10 ટકા રહેશે. ઉદ્યોગ સંગઠન સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA) મુજબ, આ બદલાવ પછી અસરકારક આયાત ડ્યુટી 27.5 ટકાથી ઘટીને 16.5 ટકા થશે.
તો બીજી તરફ, રિફાઇન્ડ ખાદ્ય તેલ પર કોઈ ફેરફાર કરાયો નથી. રિફાઇન્ડ ઓઈલ પર હાલની બેઝિક કસ્ટમ ડ્યુટી 32.5 ટકા છે અને કુલ ડ્યુટી 35.75 ટકા છે.
ઉદ્યોગ જગત અને ગ્રાહકો બંને માટે ફાયદાકારક
ઉદ્યોગ સંગઠનો SEA અને ઇન્ડિયન વેજીટેબલ ઓઈલ પ્રોડ્યુસર્સ એસોસિએશન (IVPA)એ સરકારના આ પગલાનું સ્વાગત કર્યું છે. SEA પ્રમુખ સંજીવ અસ્થાનાએ જણાવ્યું કે ક્રૂડ અને રિફાઈન્ડ ઓઈલ વચ્ચેનો બેઝિક કસ્ટમ તફાવત 8.25 ટકાથી વધારીને 19.25 ટકા કરવો એ સહજ, સમયસર અને દૃઢ પગલું છે.
આ પગલાથી રિફાઇન્ડ પામ તેલની આયાત ઘટાડાશે અને માંગ ફરીથી ક્રૂડ પામ ઓઈલ તરફ વધી શકે છે, જેના કારણે સ્થાનિક રિફાઈનિંગ ઉદ્યોગને નવો જીવંત સપોર્ટ મળશે. SEAના CEO બી.વી. મહેતાએ પણ જણાવ્યું કે રિફાઇન્ડ પામ ઓઈલની આયાત તાજેતરમાં વધી હતી કારણ કે તે ક્રૂડ પામ ઓઈલ કરતાં સસ્તું હતું.
મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળશે
IVPAના પ્રમુખ સુધાકર દેસાઈએ પણ ટેક્સ તફાવત વધારવાના નિર્ણયને આવકારીને કહ્યું કે આ પગલું દેશના વનસ્પતિ તેલ ઉદ્યોગ માટે ખૂબ જરૂરી હતું. તેમણે કહ્યું કે આથી મેક ઇન ઇન્ડિયા અભિયાનને બળ મળશે અને દેશની રિફાઈનિંગ ક્ષમતા પણ બચી રહેશે.
મહેતાએ ઉમેર્યું કે આ નિર્ણયથી ક્રૂડ તેલના સ્થાનિક ભાવમાં ઘટાડો થશે, જેનો સીધો લાભ ગ્રાહકોને મોંઘવારી સામે રાહતરૂપે મળશે. આ રીતે, સરકારી નીતિ પરિવર્તન સ્થાનિક ઉદ્યોગ અને સામાન્ય જનતા – બન્ને માટે લાભદાયક સાબિત થશે.
કેન્દ્ર સરકારના આ પગલાથી દેશના રિફાઈનિંગ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને ગ્રાહકોને ખાદ્ય તેલના ભાવમાં આવનાર દિવસોમાં રાહત મળશે.