IARI 63rd Convocation: IARI નો 63મો દીક્ષાંત સમારોહ, કૃષિમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન
IARI 63rd Convocation: નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI) એ 63મો દીક્ષાંત સમારોહ ઉજવ્યો, જેમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વર્ચ્યુઅલી જોડાયા. તેમણે કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તાઓના યોગદાનની પ્રશંસા કરી અને વિદ્યાર્થીઓને નવીનતા, કૃષિ-ઉદ્યોગસાહસિકતા અને કુદરતી ખેતી તરફ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા.
તેમણે જણાવ્યું કે ભારતની કૃષિ વૃદ્ધિ દર 5% છે, જે વૈશ્વિક સ્તરે સૌથી ઊંચી છે. કૃષિ ક્ષેત્રને વધુ પ્રગતિશીલ બનાવવા માટે ટેકનોલોજી, સંશોધન અને સ્ટાર્ટઅપ્સ પર ભાર આપવો જરૂરી છે. તેમણે લઘુ અને સીમાંત ખેડૂતોની આવક વધારવા માટે નવા સંશોધનો અને ટેકનોલોજી અપનાવવા પર ભાર મૂક્યો.
દીક્ષાંત સમારોહમાં 399 વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને ડોક્ટરલ ડિગ્રી એનાયત કરવામાં આવી. વિવિધ વિજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદાન માટે પુરસ્કારો આપવામાં આવ્યા. આ અવસરે ઘઉં, મકાઈ, ચણા, મગ અને કેરી સહિત નવી પાક જાતો પણ લોન્ચ કરવામાં આવી.
કૃષિ મંત્રીએ ટકાઉ અને આબોહવા-પ્રતિરોધક ખેતીને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત દર્શાવી. તેમણે IARI દ્વારા વિકસિત નવી ટેકનોલોજી ખેડૂતો સુધી ઝડપથી પહોંચે તે માટે સંશોધનનું વિસ્તરણ કરવા હાકલ કરી.