Indias Sugar production : 2025-26માં ખાંડના ઉત્પાદનમાં 25%નો વધારો થાય તેવી શક્યતા
Indias Sugar production : 2025-26ની ખાંડ માર્કેટિંગ સીઝન દરમિયાન ભારતમાં ખાંડના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. ખાંડની માર્કેટિંગ સીઝન ઓક્ટોબરથી શરૂ થઈ સપ્ટેમ્બરમાં પૂરી થાય છે. યૂએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચરના (USDA) સ્થાનિક કાર્યાલયના અંદાજ મુજબ, આગામી સીઝનમાં ખાંડનું ઉત્પાદન 35 મિલિયન ટન સુધી પહોંચી શકે છે, જે 2024-25ની તુલનાએ આશરે 25 ટકાનો ઉછાળો દર્શાવે છે.
USDA દ્વારા અપાયેલા અંદાજ પ્રમાણે, ચાલુ સિઝનમાં ખાંડનું ઉત્પાદન માત્ર 28 મિલિયન ટન સુધી જ મર્યાદિત રહી શકે છે, જેના મુખ્ય કારણ તરીકે 2023માં ઓછો વરસાદ, અલ નીનોની અસર અને ભૂગર્ભજળના અભાવને જવાબદાર માનવામાં આવે છે. જ્યારે આવતા વર્ષે સારા ચોમાસા અને શેરડીના વિસ્તરણને કારણે ખાંડના ઉત્પાદનમાં સુધારો થવાની ધારણા છે.
USDAના જણાવ્યા અનુસાર, 2024ના ચોમાસામાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ જેવા મોટા શેરડી ઉત્પાદક રાજ્યોમાં વિપુલ વરસાદ થયો છે. જેના કારણે ભૂગર્ભજળ અને જળાશયો ભરાયેલા છે. પરિણામે, શેરડીના વાવેતર વિસ્તારમાં વધારો થયો છે. વિશેષરૂપે, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વાવેતર વિસ્તાર ખાસ્સો વિસ્તર્યો છે.
આ આંકડા મુજબ, 2025-26 માટે શેરડીના વાવેતર વિસ્તાર 5.36 મિલિયન હેક્ટરથી વધી 5.85 મિલિયન હેક્ટર થવાની સંભાવના છે. શેરડીનું કુલ ઉત્પાદન 435 મિલિયન ટનથી વધીને 465 મિલિયન ટન થવાનો અંદાજ છે. જેમાંથી આશરે 370 મિલિયન ટન શેરડી ખાંડના ઉત્પાદન માટે વપરાશે.
અંદાજ પ્રમાણે, ખાંડના ઉપયોગમાં પણ 8 ટકાનો વધારો થશે. USDAના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે કાચી ખાંડનું ઉત્પાદન અંદાજે 60,000 ટન અને ક્રિસ્ટલ ખાંડનું ઉત્પાદન 33 મિલિયન ટન સુધી થઈ શકે છે.
આ દર વખતે મળતી હવામાનની અનુકૂળતા, પાણીના સ્તરમાં સુધારો અને ખેતી વિસ્તરણ જેવા ઘટકોના આધારે ખાંડ ઉદ્યોગ માટે 2025-26ની સીઝન ખૂબ જ આશાસ્પદ સાબિત થવાની શક્યતા છે.