Mango Storage Tips : ઉનાળામાં કેરી લાંબા સમય સુધી તાજી રાખવાના સરળ અને અસરકારક ઉપાયો
Mango Storage Tips : ઉનાળાની ઋતુમાં કેરી ખાવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. ઘણા લોકોને ઉનાળો માત્ર કેરી માટે પસંદ હોય છે. કેરીપ્રેમીઓના ઘરોમાં આ સિઝનમાં કેરીના વિવિધ સ્વરૂપો જોવા મળે છે. પરંતુ ઘણી વખત વધુ કેરી ખરીદી લીધા પછી તે સમયસર ન ખાઈ શકાય અને બગડી જાય છે. આવા સમયે જો કેરીને સાચવી રાખવાની યોગ્ય રીત અપનાવો, તો તેની તાજગી લાંબા સમય સુધી જાળવી શકાય છે. અહીં કેટલીક અસરકારક રીતો આપવામાં આવી છે, જેના દ્વારા તમે કેરીને વધુ દિવસો સુધી સાચવી શકો છો.
1. કાચી કેરી અંધારામાં રાખો
જો કેરી હજી પાકી ન હોય અને તમારે તેને થોડા દિવસ પછી ખાવાની છે, તો તેને અંધારું અને ઠંડુ સ્થાન પસંદ કરો. આમ કરવાથી કેરી 4-5 દિવસમાં ધીમે ધીમે પાકે છે. વચ્ચે વચ્ચે તેને તપાસતા રહેવું જરૂરી છે.
2. પાકેલી કેરી ફ્રીજમાં સ્ટોર કરો
પાકેલી કેરીને જો લાંબા સમય સુધી સાચવી રાખવી હોય, તો તેને તરત જ રેફ્રિજરેટરમાં મૂકી દો. ફ્રીજમાં રાખેલી કેરી સામાન્ય રીતે 6 થી 7 દિવસ સુધી તાજી રહી શકે છે.
3. માટલાં વડે કેરી વધુ સમય તાજી રાખો
જો ઘરે ફ્રિજ ન હોય, તો બરફ ભરેલા માટલામાં કેરી રાખીને તેને લાંબા સમય સુધી તાજી રાખી શકાય છે. કેરીને સૂકી અને ઠંડી જગ્યાએ રાખવાથી તેનો શેલ્ફ લાઇફ વધી જાય છે.
4. કાગળમાં લપેટીને સંગ્રહ કરો
કેરીને કાગળમાં લપેટીને અંધારાવાળી અને હવાના પ્રવાહથી દૂર રાખવાથી પણ તે લાંબા સમય સુધી તાજી રહે છે. આ પદ્ધતિ ખાસ કરીને કાચી કેરી માટે ખૂબ ઉપયોગી છે.
5. પાણીમાં રાખીને તાજી રાખો
પાકેલી કેરીને પાણીભરી તપેલીમાં રાખીને ફ્રીજમાં મૂકી શકાય છે. આમ કરવાથી કેરી વધુ દિવસ સુધી નરમ અને તાજી રહે છે અને ઝડપથી બગડતી નથી.
6. કેરીના ટુકડા ફ્રીઝ કરીને સ્ટોર કરો
જો કેરી ઘણી છે અને તરત વાપરી ન શકાતી હોય, તો તેને છોલીને નાના ટુકડા કરી લો. ટુકડાઓ પર થોડી ખાંડ છાંટો અને તેને 2-3 કલાક ફ્રીઝ કરો. પછી તેને હવાચુસ્ત ડબ્બામાં મૂકી ફરીથી ફ્રીઝ કરો. આમ કરવાથી કેરીના ટુકડા 2 અઠવાડિયા સુધી સારી સ્થિતિમાં રહી શકે છે.
સીઝનમાં કેરી ખરીદવાનું મન થાય ત્યારે તમારે એની બગાડની ચિંતા કરવાની જરૂર નથી. ઉપર જણાવેલા સરળ અને ઘરેલુ ઉપાયોનો ઉપયોગ કરીને તમે કેરીને લાંબા સમય સુધી તાજી રાખી શકો છો અને દરેક દિવસે તેનો સ્વાદિષ્ટ આનંદ માણી શકો છો.