Mizoram agricultural products: મિઝોરમના પાકોને આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડવા માટે કેન્દ્ર સરકારનો સઘન પ્રયાસ
Mizoram agricultural products: કેન્દ્રિય કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મિઝોરમના કૃષિ ઉત્પાદનોને દેશ અને દુનિયાના બજારમાં જગ્યા મળે તે માટે વિશેષ રીતે માર્કેટિંગ અને બ્રાન્ડિંગ ઉપર ભાર મુક્યો છે. તેમનું માનવું છે કે મિઝોરમના ફળો, શાકભાજી, પેશન ફ્રૂટ, આદુ, હળદર, કોબી, રીંગણ અને ટામેટાંની ગુણવત્તા અને સુગંધ એવી છે કે જે વૈશ્વિક સ્તરે લોકપ્રિય થઈ શકે છે.
મંત્રીએ જણાવ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે મિઝોરમના આ અનોખા ઉત્પાદનો માત્ર સ્થાનિક બજાર સુધી મર્યાદિત ન રહી જાય, પરંતુ તેને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ પ્રોત્સાહન મળે. તેમણે ખાતરી આપી કે કેન્દ્ર સરકાર આ દિશામાં કોઈ કસર બાકી રાખશે નહીં અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે તમામ સાધનો પ્રદાન કરશે.
થેનઝોલમાં બાગાયતી કોલેજના નવનિર્મિત ઇમારતોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન
શિવરાજ સિંહ ચૌહાણે તેમના પૂર્વોત્તર ભારતના પ્રવાસ દરમિયાન મિઝોરમના થેનઝોલ ખાતે આવેલા બાગાયત કોલેજના નવનિર્મિત વહીવટી અને શૈક્ષણિક ભવનોનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. ખરાબ હવામાનના કારણે તેઓ રૂબરૂ હાજર રહી શક્યા ન હતાં, પરંતુ તેમણે વર્ચ્યુઅલ માધ્યમથી અભિનંદન પાઠવ્યાં અને જણાવ્યું કે વિકસિત મિઝોરમ વિના વિકસિત ભારતની કલ્પના શક્ય નથી.
ઉત્તર-પૂર્વના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વડા પ્રધાન પ્રતિબદ્ધ છે
મંત્રીએ જણાવ્યું કે ઉત્તરપૂર્વના રાજ્યોનો વિકાસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નીતિનો મુખ્ય સ્તંભ છે. મિઝોરમની કૃષિ ક્ષમતા, બાગાયતી પદ્ધતિઓ અને સ્થાનિક ઉત્પાદનોને આધુનિક તકનીકી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ સાથે સંકલિત કરીને રાજ્યના ખેડૂતોને આગળ લાવવાનું કેન્દ્ર સરકારનું ધ્યેય છે.
કૃષિ પ્રદર્શનમાં ખેડૂતોની મોટી સંખ્યામાં હાજરી
આ પ્રસંગે મિઝોરમના રાજ્યપાલ જનરલ (ડૉ.) વી.કે. સિંહ, મુખ્યમંત્રી પી. લાલદુહોમા અને કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અનુપમ મિશ્રા પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન યોજાયેલા કૃષિ પ્રદર્શનમાં 1,500થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો, જ્યાં નવીનતમ બાગાયતી ટેકનિકો રજૂ કરવામાં આવી.
નાગાલેન્ડ માટે 338 કરોડની સહાયની જાહેરાત
મંત્રીએ વધુમાં નાગાલેન્ડના જાલુકી વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (ઇમ્ફાલ) હેઠળની વેટરનરી સાયન્સ અને એનિમલ હસબન્ડ્રી કોલેજના નવા એડમિનિસ્ટ્રેટિવ-શૈક્ષણિક બ્લોકનું પણ ઉદ્ઘાટન કર્યું. અહીં તેમણે પશુપાલન અને કૃષિ ક્ષેત્રના પ્રગતિશીલ કાર્યક્રમો વિશે જણાવ્યું અને નાગાલેન્ડ માટે રૂ. 338.83 કરોડના નાણાંકીય પેકેજની જાહેરાત કરી.
તેમણે નાગાલેન્ડ સરકારે એક વ્યૂહાત્મક કૃષિ વિકાસ યોજના તૈયાર કરવાની સલાહ આપી અને જણાવ્યું કે કેન્દ્રીય સરકાર તેમને દરેક પગલાએ સહયોગ આપશે.