Natural Farming Success : 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત, દર મહિને કમાઈ રહ્યા છે ₹50,000
નરેન્દ્રભાઈએ 2017માં ગુજરાત સરકારના આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને પ્રાકૃતિક ખેતી તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું
ગિલોડા ના વેચાણથી જ તેઓને દર મહિને 35-36 હજારની આવક થાય છે, જ્યારે અન્ય શાકભાજી સાથે મળીને કુલ આવક 50,000 સુધી પહોંચી જાય
વડોદરા, મંગળવાર
Natural Farming Success : આજના સમયમાં જ્યારે ઘણા ખેડૂતો પરંપરાગત ખેતીમાં ખાતર અને પેસ્ટિસાઇડનો વપરાશ કરી રહ્યા છે, ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામના 51 વર્ષીય નરેન્દ્ર ગોરધનભાઈ પટેલ પ્રાકૃતિક ખેતીનું એક આદર્શ ઉદાહરણ બની ગયા છે. છેલ્લા 8 વર્ષથી તેઓ કુદરતી ખેતી કરીને મહિને અંદાજે 50,000 રૂપિયા કમાઈ રહ્યા છે.
નરેન્દ્રભાઈએ 2017માં ગુજરાત સરકારના આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને પ્રાકૃતિક ખેતી તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. પહેલા તેઓ પણ રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ તેના લાંબા ગાળાના નકારાત્મક અસરોને સમજ્યા બાદ તેમણે સંપૂર્ણપણે કુદરતી ખેતી અપનાવી. આજે તેઓ પોતાની 5 વિઘા જમીનમાં મેથી, ગીલોડા, ડુંગળી, લીંબુ અને સરગવો જેવી વિવિધ શાકભાજીનું ઉત્પાદન કરી રહ્યા છે.
કેવો છે પ્રાકૃતિક ખેતીનો ફાયદો?
નરેન્દ્રભાઈનું માનવું છે કે રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગથી થયેલા શાકભાજી માનવ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. “ડાયાબિટીસ, કિડનીના રોગો અને પેટની સમસ્યાઓ આજકાલ સામાન્ય બની ગઈ છે. આ બધી બીમારીઓનું મૂળ કારણ કેળવણી વગરના પદ્ધતિથી પેદા કરેલી ખેતી છે,” પ્રાકૃતિક ખેતીની જ મજબૂત પદ્ધતિથી સ્વસ્થ જીવન જીવવું શક્ય છે.
પ્રાકૃતિક ખેતીની કમાણી
નરેન્દ્રભાઈ તેમના ખેતરમાં મહિને 40 મણ દેશી ગીલોડા, 25 મણ લીંબુ, 35 મણ પરવળ અને દરરોજ 8 મણ દૂધીનું ઉત્પાદન કરે છે. તેમની ખેતીની પેદાશ સ્થાનિક બજાર ઉપરાંત રિલાયન્સ ફ્રેશ જેવી મોટું પ્લેટફોર્મ પર પણ વેચાય છે. ગિલોડા ના વેચાણથી જ તેઓને દર મહિને 35-36 હજારની આવક થાય છે, જ્યારે અન્ય શાકભાજી સાથે મળીને કુલ આવક 50,000 સુધી પહોંચી જાય છે.
સ્વાસ્થ્ય અને પ્રાકૃતિક ખેતી
નરેન્દ્રભાઈએ કહ્યું કે પ્રાકૃતિક ખેતી ફક્ત આવક માટે જ નથી, તે સ્વાસ્થ્ય માટે પણ આવશ્યક છે. “મારા ખેતરમાં જ ભોજન તૈયાર થતું હોય છે, જે અમારા પરિવાર માટે તંદુરસ્ત અને પોષક હોય છે.
એક પ્રેરણાદાયક સંદેશ
નરેન્દ્રભાઈના પ્રયાસો અને સફળતા એ દરેક ખેડૂત માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તેમણે સાબિત કર્યું કે જો યોગ્ય પદ્ધતિ અપનાવી અને પ્રાકૃતિક માર્ગે આગળ વધવામાં આવે તો ન માત્ર માટી બચી શકે, પરંતુ આવકમાં પણ નોંધપાત્ર વધારો થઈ શકે. “જગતના તાત તરીકે હમણાં જ નહીં, ભવિષ્યના પેઢીને પણ સ્વસ્થ રાખવું એ અમારી જવાબદારી છે,” તેઓ અંતે કહે છે.