Natural Ways to Ripen Mangoes: કુદરતી રીતે કેરી પકવવાની સલામત રીતો: રસાયણથી બચો, સ્વાસ્થ્ય સાચવો
Natural Ways to Ripen Mangoes: કેરીની સીઝન શરૂ થતાં જ લોકો બજારથી કાચી કેરી ખરીદી ઘરે પકવવા લાગે છે. પરંતુ કેટલીકવાર કેરી ઝડપથી પકાવવાના ચક્કરમાં લોકો રસાયણોનો આશરો લે છે, જે આરોગ્ય માટે જોખમી બની શકે છે. કેરીને પકવવા માટે કુદરતી અને સલામત રીત અપનાવવી વધુ શ્રેયસ્કર છે.
કેરીને પકવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તેને કાગળની થેલીમાં અથવા અખબારમાં લપેટીને રાખવામાં આવે. આ રીતે કેરી ધીમે ધીમે અને સ્વાભાવિક રીતે પાકે છે. જો તેની સાથે પાકેલું કેળું કે સફરજન મૂકી દેવામાં આવે તો વધુ સારું, કારણ કે આવા ફળો ઇથિલિન નામનો કુદરતી ગેસ છોડે છે, જે કેરીને ઝડપી અને સુરક્ષિત રીતે પકવવામાં મદદરૂપ થાય છે.
આ કાગળની થેલી કે અખબારમાં લપેટેલી કેરીઓને ઓરડાના તાપમાને, સૂકી અને ઠંડી જગ્યાએ રાખવી જોઈએ. સીધા સૂર્યપ્રકાશથી બચાવવી જરૂરી છે. દરરોજ કેરી ચેક કરવી – જ્યારે તે દબાવતાં નરમ લાગવા લાગે અને દાંડી પાસેથી મીઠી સુગંધ આવે, ત્યારે સમજી શકાય કે કેરી ખાવા લાયક થઈ ગઈ છે. સામાન્ય રીતે 2થી 4 દિવસમાં કેરી પાકી જાય છે.
જો કાગળની થેલી ન હોય તો કેરીને તપેલીમાં રાખીને સ્વચ્છ કપડું ઢાંકી પણ પકવવામાં આવી શકે છે. હાં, આ પદ્ધતિ થોડી ધીમી હોઈ શકે છે, પણ સુરક્ષિત છે. ખાસ કરીને જ્યારે મોટી સંખ્યામાં કેરી હોય અને તેને લાંબા સમય સુધી જાળવી રાખવી હોય, ત્યારે આ રીત ઉપયોગી સાબિત થાય છે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે ઘણા વેપારીઓ કેરીને ઝડપથી પકાવવા માટે કેલ્શિયમ કાર્બાઇડ જેવા રસાયણોનો ઉપયોગ કરે છે, જે ખુબ જ હાનિકારક છે. આ રસાયણ ભેજ સાથે ક્રિયા કરીને એસિટિલીન ગેસ છોડે છે, જે ઇથિલિનની જેમ કાર્ય કરે છે પણ શરીર માટે ઝેરી બની શકે છે. તેમાં આર્સેનિક અને ફોસ્ફરસ જેવા તત્વો હોવાના કારણે માથાનો દુખાવો, પેટમાં બળતરા, ચક્કર આવવા જેવી તકલીફો સર્જાઈ શકે છે. લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી ગંભીર બીમારીઓ થવાની પણ શક્યતા રહે છે.
રસાયણથી પકવેલી કેરીનો સ્વાદ પણ કુદરતી રીતે પાકેલી કેરી જેટલો મીઠો અને સુગંધિત ન હોય. એવી કેરી દેખાવમાં નરમ લાગે છે, પણ તેનો ખરો સ્વાદ અને ગુણદ્રવ્યો ગુમ થઈ જાય છે.
તેથી આરોગ્ય અને સ્વાદ બંને જાળવવા માટે કેરીને કુદરતી રીતે પકવવી હંમેશા શ્રેષ્ઠ વિકલ્પ છે.