Organic Turmeric Farming Gujarat: પરંપરાગત ખેતી છોડીને પ્રાકૃતિક પદ્ધતિ
Organic Turmeric Farming Gujarat: ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઝડકલા ગામના ખેડૂત તુષારભાઈ દેસાઈ હવે માત્ર ખેડૂત નહીં પણ પ્રેરણારૂપ પુરુષ બન્યા છે. તેમણે વર્ષો સુધી પરંપરાગત ખેતી કરી, પરંતુ હવે છેલ્લા દાયકાથી તેઓ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વળી ગયા છે. ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષથી તેમણે હળદરનું કુદરતી વાવેતર શરૂ કર્યું છે અને આજ તેમની સફળતાનું રહસ્ય બની ગયું છે.
ગાય આધારિત ખેતીનું અનોખું મોડલ
તુષારભાઈએ પોતાની ખેતીમાં કોઇ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે ઝેરી દવાઓનો ઉપયોગ ન કરીને, માત્ર ગાય આધારિત પદ્ધતિઓ જેમ કે જીવામૃત, ઘન જીવામૃત અને ગૌકૃપામૃતમ જેવા દ્રાવણનો ઉપયોગ કર્યો છે. તેઓ કહે છે કે, સુભાષ પાલેકરની પ્રેરણાથી 2015 પછી તેમની ખેતીનો ચહેરો બદલાઈ ગયો છે.
મલ્ચિંગથી મજૂર ખર્ચમાં ઘટાડો અને પાણી બચત
હળદરના પાકમાં મજૂર અભાવને દૃષ્ટિએ રાખીને તેમણે મલ્ચિંગ ટેકનિક અપનાવી છે, જેના થકી પાણીની બચત તો થાય છે, સાથે-સાથે નિંદામણ પણ ઓછી થાય છે. જેનાથી ઉત્પાદકતા વધે છે અને સંસાધન ખર્ચ ઘટાડે છે.
હળદરનું પાવડર બનાવીને ઊંચા ભાવે વેચાણ
તુષારભાઈ ઉત્પાદન પછી હળદરને કાપીને તેનું વેફર બનાવે છે અને પછી તેને સુકવીને પાવડર બનાવે છે. પાવડર પેક કરી ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં વેચાણ કરવામાં આવે છે. ગયા વર્ષે તેમણે હળદર પાવડરનો ભાવ રૂ. 300 પ્રતિ કિલો રાખ્યો હતો. એક વીઘામાંથી અંદાજે 90,000 રૂપિયાની આવક થઈ છે.
કુદરતી રોગ નિયંત્રણના નુસ્ખાઓ
પાકમાં રોગ ઓછા પડે તે માટે લીમડાનું તેલ અને દેશી છોડોના ઉકાળાનો ઉપયોગ પણ કરવામાં આવે છે. આથી કોઈ જ ઝેરી દવા વગર, સુરક્ષિત અને ગુણવત્તાવાળું ઉત્પાદન થાય છે, જે બજારમાં વધુ ભાવ મેળવવામાં મદદરૂપ બને છે.
ખેડૂતો માટે પ્રેરણા: પ્રાકૃતિક ખેતીથી લાભ
તુષારભાઈ દેસાઈની સફળતા દર્શાવે છે કે, જો ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળે અને મૂલ્યવર્ધન તરફ ધ્યાન આપે, તો ઓછા ખર્ચે પણ ઊંચી આવક મેળવી શકાય છે. આજે તેઓ માત્ર હળદરનો પાક ઉગાડતા નથી, પણ એક ટકાઉ કૃષિ મોડલ ઉભું કરી રહ્યા છે.