Pink Mushroom Farming: ગુલાબી મશરૂમની ખેતી, ઓછી જગ્યામાં ઊચ્ચ નફો આપતો વ્યવસાય
Pink Mushroom Farming: ગુલાબી મશરૂમ માત્ર દેખાવમાં આકર્ષક નથી, પણ તે પોષણથી પણ ભરપૂર છે. તેમાં વિટામિન D, કેરોટીન અને ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન જોવા મળે છે, જે નિયમિત સેવનથી શરીરને તંદુરસ્ત રાખે છે. ખાસ કરીને એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે તેની ખેતી દ્વારા ખેડૂતો ઓછા ખર્ચે વધુ નફો મેળવી શકે છે.
આ મશરૂમની ખાસિયત એ છે કે તેને સુકવીને લાંબા સમય સુધી રાખી શકાય છે અને જરૂર પડે ત્યારે પાણીમાં ઉકાળી તાજું બનાવી શકાય છે. તે ઓઇસ્ટર મશરૂમનો એક વિશિષ્ટ પ્રકાર છે, જેને તેના ગુલાબી રંગના કારણે ઓળખવામાં આવે છે. તે માત્ર 10થી15 દિવસમાં તૈયાર થઈ જાય છે અને ગરમ હવામાનમાં પણ સરળતાથી ઉગે છે.
ગુલાબી મશરૂમ પોષક તત્વોની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેના કારણે બજારમાં તેની સતત માંગ રહે છે. ખાસ વાત એ છે કે તેની ખેતી મોટા ખેતરો વગર પણ કરી શકાય છે. માત્ર બે રૂમ હોય તો પણ આ ખેતી શક્ય છે.
તેને ડાંગરના પરાળ કે ઘઉંના પરાળ પર ઉગાડવામાં આવે છે. પરાળ ને પહેલા 3થી5 સેમી ટુકડાઓમાં કાપી, તેને રાતભર પાણીમાં પલાળી રાખવો. પછી જંતુનાશક અને ફૂગનાશકથી સારવાર આપવી. ભીનું પરાળ ઓછી માવજત સાથે છાયાવાળી જગ્યાએ સૂકવી, જેથી ભેજ જળવાઈ રહે. પછી બીજ ભરવાની પ્રક્રિયા શરૂ થાય છે.
પરાળના કુલ વજનના 5થી7 ટકા જેટલા મશરૂમના બીજ લેવા. 45×30 સે.મી. કદની પોલીથીન બેગમાં પરાળ અને બીજને એકસાથે ભરી, બેગને ઉપરથી બાંધવી. જરૂર મુજબ બેગનું કદ પણ બદલી શકાય છે. આ રીતે યોગ્ય માવજત સાથે ગુલાબી મશરૂમની સફળ ખેતી કરી શકાય છે.