Vegetable Price: વધતા તાપમાને શાકભાજીના ભાવને આપ્યો ઝટકો
Vegetable Price: દેશમાં સતત બદલાતી હવામાન પરિસ્થિતિઓ શાકભાજીના ભાવમાં ભારે ઉથલપાથલનું કારણ બની છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના તાજેતરના અભ્યાસમાં જણાવાયું છે કે વધતા તાપમાનના સીધા અસરસરુપે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. નિશાંત સિંહ અને લવ કુમાર શાંડિલ્ય દ્વારા તૈયાર કરાયેલા આ અભ્યાસમાં જણાવાયું છે કે ખાદ્ય ફુગાવા પાછળ શાકભાજીના ભાવમાં અસ્થિરતા મુખ્ય કારણ છે.
અભ્યાસમાં અનુસૂચિત કરવામાં આવ્યું છે કે ભાવ સ્થિરતા માટે ખેડૂતોને તાપમાન પ્રતિકારક શાકભાજીની જાતો અપનાવવી જોઈએ. RBI બુલેટિનમાં પ્રકાશિત આ અભ્યાસ મુજબ જો આ જાતો તરત અપનાવાશે તો ભાવો વધુ નિયંત્રિત રહી શકશે.
અભ્યાસ સૂચવે છે નવી જાતોની જરૂરિયાત: કાશી તાપિસ જેવી તાપમાન સહનશીલ જાતો વિકાસ પામે છે
તાપમાનમાં સતત વધારાની અસર સામે પગલાં રૂપે ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) ની ભારતીય શાકભાજી સંશોધન સંસ્થા વારાણસી ખાતે ટામેટાની ‘કાશી તાપિસ’ જાત વિકસાવી રહી છે. વૈજ્ઞાનિક વિક્રમાદિત્ય પાંડેએ જણાવ્યું હતું કે આ જાત 12°C તાપમાન વધારાનો પણ સહન કરી શકે છે અને આગામી બે વર્ષમાં ખેડૂતો માટે ઉપલબ્ધ થવાની શક્યતા છે.
તેમણે ઉમેર્યું કે ICAR એ રીંગણ જેવી અન્ય શાકભાજી માટે પણ આખું વર્ષ ખેતી લાયક જાતો વિકસાવી છે. જો કે, કેટલાક નિષ્ણાતોનો મત છે કે માત્ર તાપમાન વધારો જ ભાવવધારાનું એકમાત્ર કારણ નથી. સ્થાનિક પડકારો, પુરવઠાની સ્થિતિ અને વિસ્તાર પ્રમાણે હવામાનનો ફેરફાર પણ કિંમતોમાં ઉથલપાથલ લાવતો હોવાનું તેમણે જણાવ્યું.
વધતા તાપમાન સામે નવી જાતો વિકસાવવી અને વ્યાપક સ્તરે અપનાવવી એ ભાવ સ્થિરતા તરફનો મહત્વનું પગથિયુ બની શકે છે.