અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માથાભારે અને વોન્ટેડ એવા 54 વર્ષના રાજુ ગેંડી રૂપચંદ ક્રિશ્નાને તેના સરદાર નગર સર્કલ સ્થિત સિંધી કોલોનીમાં આવેલા તેના ઘરેથી ઝડપી લીધો છે.
આરોપી અગાઉ દારૂ તેમજ મારામારીના 100થી વધુ ગુનાઓમાં જુદા જુદા પોલીસ મથકમાં ઝડપાઇ ચુક્યો છે.
રાજુ 18 થી વધુ વખત પાસા હેઠળ જુદી જુદી જેલોમાં જઈ આવ્યો છે.
સરદાર નગરમાં ધાક ઉભી કરવા આ રાજુના નવા કાંડમાં તેણે લલિત નામના વેપારીને માર માર્યો હતો જેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.
ઉપરાંત સરદાર નગર ઔડા શોપીંગ કોમ્પ્લેક્ષમાં નીરજ સિંધીની દુકાનમાં સ્ટેટ વિજિલન્સ સ્કોડ દ્વારા અગાઉ તા.22/6/2023ના રોજ ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડાયો તેમાં રાજુ વોન્ટેડ હતો.
આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજુને ઝડપી લેવામાં આવ્યો છે અને એરપોર્ટ પોલીસના હવાલે કર્યો છે.
રાજુનું દારૂનું નેટવર્ક ખૂબ મોટું છે અને છેલ્લા 35 વર્ષથી દારૂનો ગેરકાયદે ધંધો કરતો હોવાનું ખુદ પોલીસની પ્રેસનોટમાં જણાવ્યું છે.
એરપોર્ટ પોલીસ હદ વિસ્તારમાં રાજુનું મોટું વર્ચસ્વ છે અને અહીં તેના માણસો દારૂનો ધંધો કરી રહયા છે.
એરપોર્ટ પોલીસ દ્વારા દારૂના ધંધા સામે આંખ આડા કાન કરવામાં આવી રહયા છે.
એરપોર્ટ પોલીસ હદ વિસ્તારમાં ચાલતા ઈંગ્લીશ દારૂના ધંધા અને બુટલેગરોના અડ્ડા અગાઉ પણ સત્યડેમાં પર્દાફાશ કરવામાં આવ્યો હોવાછતાં પોલીસ બુટલેગરો ઉપર મહેરબાન છે.
એરપોર્ટ પોલીસ મથકના પીઆઈ રશ્મિન દેસાઈ અને વહીવટદારો દિલીપ વાઘેલા અને સુરેન્દ્ર સિંહના રાજમાં આ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો ચાલી રહ્યો છે અને બુટલેગરોને જલસા પડ્યા છે.
દરમિયાન કુખ્યાત રાજુ ગેંડીની ક્રાઈમ બ્રાન્ચે ઉંચકી લીધો અને હવે એરપોર્ટ પોલીસને સોંપશે ત્યારે રાજુનું આ વિસ્તારમાં દારૂના કનેક્શન અંગે પોલીસને ખબર નહિ હોય? તેવે સમયે ઉપરી અધિકારીઓ આ અંગે ઉંડાણ પૂર્વક તપાસ કરેતો દારૂના મોટા ધંધાનો પર્દાફાશ થઈ શકે તેમ છે.