અમદાવાદમાં પોલીસની નાકાબંધી પોઇન્ટ ઉપર તૈનાત હોમગાર્ડ જવાને વાહન ચાલક પાસેથી લાયસન્સ માંગતા એક્ટિવા ચાલકે હોમગાર્ડ જવાનને લાયસન્સ માંગવાનો અધિકાર નથી તેમ કહતા હોમગાર્ડ જવાન અને એક્ટિવા ચાલક વચ્ચેની બબાલ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પહોંચતા હોમગાર્ડ જવાનની ફરિયાદના આધારે એક્ટિવા ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
વિગતો મુજબ બિપિનચન્દ્ર મહેરિયા નામનો હોમગાર્ડ જવાન ગઈકાલે રાતે વેજલપુર પોલીસ મથકની હદમાં આવેલ અમૃતબાગ સોસાયટી ખાતે નાકાબંધી પોઇન્ટ પર ફરજ બજાવી રહ્યા હતા ત્યારે રાત્રે ચારેક વાગ્યે એક એક્ટિવા ચાલક જીવરાજ ચાર રસ્તા તરફથી આવતા હોમગાર્ડ જવાનોએ તેમને રોકી નામઠામ પૂછી ડ્રાઇવીંગ લાયસન્સ માંગતા વાહન ચાલક સોહમ મન્સુરીએ હોમગાર્ડ જવાનને તમે કોણ છો, તમારી નોકરી ક્યાં છે તેમ કહેતા હોમગાર્ડ જવાનોએ તેમનું આઇકાર્ડ બતાવ્યું હતું.
હોમગાર્ડ બિપિનચંદ્રએ લાયસન્સ માંગ્યું ત્યારે વાહન ચાલકે તમે મને રોકી શકો નહિ કહીને બોલાચાલી કરતા બીજા હોમગાર્ડ જવાનનો સ્ટાફ ત્યાં આવી ગયો હતો. બાદમાં હોમગાર્ડ બિપિનચન્દ્રએ આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં સોહમ મન્સુરીના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરજમાં અવરોધ ઉભો કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.