અમદાવાદ સાબરમતી પોલીસે કરેલા એક ઉમદા કાર્યમાં પરિવારથી વિખુટા પડેલા એક બાળકને છેક ગ્વાલિયરથી શોધી તેના પરિવારને સોંપ્યું છે. પોલીસે બાળકને શોધી કાઢ્યું તે દિવસ પરિવાર માટે દિવાળી જેવો હતો.
ઘટના અમદાવાદના સાબરમતી જવા ચોક પાસેની છે. આ વિસ્તારમાં અનેક હિન્દીભાષી લોકો રહે છે. આ લોકોમાં મોટાભાગના લોકો પછાત છે અને મહેનત કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
18મી તારીખે આ વિસ્તારમાં રહેતો એક સાતમા ધોરણમાં ભણતો એક બાળક ક્યાંક ચાલ્યો ગયો.
પરિવારને લાગ્યું કે હાલ વેકેશન હોવાથી તે આસપાસ ક્યાં ગયો હશે પરંતુ મોડે સુધી તેની કોઈ ખબર મળી નહીં તે રમતીયાળ હોવાથી તેને શોધવા માટે આખો પરિવાર કામે લાગી ગયો. આખા અમદાવાદમાં તેના માતા-પિતા કાકા તેને શોધી રહ્યા હતા. વાડજ થી લઈને વાસણા અને બોપલથી લઈને વટવા ચારે બાજુ તેને શોધવા માટે પ્રયાસો શરૂ થયા પણ મળતો ન હતો. 24 કલાક થઈ ગયા આખરે તેમના સમાજમાં આ બાળક ખોવાયો હોવાની વાત પ્રસરતા હંગામો મચ્યો અને બરાબર આજ સમયે એક મેસેજ વાઈરલ થયો.
જેમાં કોઈ બાળકનુ અપહરણ થયું હોવા સાથે લોકો તેને મારી રહ્યા હોવાનો મેસેજ વાયુ વેગે ફરતો થયો અને સમાજના હજારો લોકો સાબરમતી પોલીસ સ્ટેશન પહોંચી ગયા.
ગુમ બાળકના માતા પિતા રૂદન કરતા હતા. એક તરફ સમાજના લોકો પણ બાળકને શોધી આપો તેવું પોલીસની આજીજી કરતા હતા. તે સમયે મહિલા પીએસઆઇ ઉર્વશી પંડ્યા અને સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ એન પટેલે આખી ઘટના સમજી અને બાળકને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી.
આખરે એક નંબરનું લોકેશન અને એક કડી મળી જેમાં તે ગ્વાલિયર રેલ્વે સ્ટેશન એટલું જ સંભળાયું હતું.
જેના આધારે સિનિયર પોલીસ અધિકારીઓની મદદ લેવામાં આવી અને ગ્વાલિયર પોલીસ તાત્કાલિક રેલવે સ્ટેશન પહોંચી ત્યારે બાળક ત્યાં બેઠો હતો. પોલીસે ત્યાંથી તરત અમદાવાદ પોલીસને વીડિયોકોલથી બાળક સાથે વાત કરાવી એટલે પાક્કું થઈ ગયું કે બાળક સુરક્ષિત છે અને
સાબરમતી પોલીસ બાળકને અમદાવાદ લઈ આવ્યા.
તપાસમાં જાણવા મળ્યું કે બાળક ઘરેથી ગોવા જવા માટે નીકળ્યો હતો, પણ તે રેલવે સ્ટેશન પર ગોવાની જગ્યાએ ગ્વાલિયરની ટ્રેન પર બેસી ગયો હતો અને તે ગ્વાલિયર પહોંચી ગયો હતો. જોકે, ખુશી એ વાતની હતી કે બાળક સુરક્ષિત રીતે તેના પરિવારને મળી ગયો હતો.
બીજી તરગ બાળક મળી ગયો હોવાની જાણ એના માતા-પિતાને થતાં તેઓ અને પોલીસ સ્ટેશન આસપાસ ઉભેલા હજારો લોકો ખુશીથી ઝૂમી ઉઠયા અને ફટાકડા ફોડવા સાથે જોરથી પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા.
પોલીસના ચહેરા ઉપર પણ ખુશી હતી કારણ કે એક બાળક સલામત રીતે પરત લાવી તેઓને સોંપવાનો આનંદ હતો.