અમદાવાદ ના નારણપુરા બેઠક ઉપર આમ આદમી પાર્ટી ના મહિલા ઉમેદવાર પુષ્પા બેન નું ફોર્મ રદ્દ થયા બાદ બક્ષીપંચની રિઝર્વ બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ચંદ્રિકા રાવળે ફોર્મ પરત ખેંચતા ભાજપે ચૂંટણી અગાઉ જ આ બેઠક કબ્જે કરી લેતા 2021ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની આ પહેલી જીત છે અને તેઓ સૌ પ્રથમ મ્યુનિસિપલ કાઉન્સિલર બની ગયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસી ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપ ના બિન્દા સુરતી બિનહરીફ થયા છે. હવે નારણપુરા વોર્ડમાં 3 બેઠકો ઉપર ચૂંટણી યોજાશે.
રાજકારણ ના આટાપાટા માં ભાજપ ફરી એકવાર બાજી મારી ગયું છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારો ની પસંદગી સમયે કોંગ્રેસે પોતાના ઉમેદવારો પાસે પક્ષ પલટો ન કરવાના સોગંદનામા કરાવ્યા હતા. તેમ છતાં મહિલા ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લીધું હોવાનું સામે આવ્યું છે, બીજી તરફ સોમવાર ફોર્મ ચકાસણીના દિવસે સરદાનગર અને ઠક્કરબાપાનગર વોર્ડમાં કોંગ્રેસના બે ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા હતા. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે ચુંટણીઓ અગાઉ જ 192 બેઠકો માંથી 3 બેઠકો ગુમાવી દીધી છે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની 189 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે. તેની સામે ભાજપે વગર ચૂંટણીએ એક બેઠક જીતી લીધી છે અને 191 બેઠકો ઉપર ચૂંટણી લડશે.