અમદાવાદ જિલ્લાના બાવળા ગામે રહેતી પરિણીતા લાંભા હાઈવે પર પોતાના પતિની આવવાની રાહ જોઈ ને ઉભી હતી ત્યારે ભરબપોરે બે રિક્ષાચાલકોએ “ચાલ રિક્ષામાં બેસી જા, તને 1000 રૂપિયા આપીશ” એમ કહેતાં પરિણીતા ને રિક્ષા માં બેસાડવા બળજબરી કરતા જોઈ થોડે દુર રોડ ઉપર પાનનો ગલ્લો ચલાવતા એક સિનિયર સિટીઝને આ દ્રશ્ય જોઈ ત્યાં પહોંચ્યા હતા અને મહિલાને હેરાન કરવાની રિક્ષાચાલકોને ના પાડી હતી. એ છતાંય બંને જણ નહીં માનતા આખરે તેઓ એ ફોન કરી ગામમાંથી યુવકોને બોલાવતા છેડતી કરનાર રીક્ષા ચાલકો ને પકડી લેતા બંને જણા પોતે મામલતદાર હોવાની ઓળખ આપી મામલતદાર નું આઈકાર્ડ બતાવતા આખરે મહિલા હેલ્પલાઈન 181 ને જાણ કરાતા હેલ્પલાઈનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં બંને જણાને પકડીને નજીકના પોલીસ સ્ટેશનમાં સોંપી દેવાયા હતા જ્યાં આ ઈસમો બોગસ મામલતદાર હોવાનું ખુલ્યું હતું.
વિગતો મુજબ બાવળા ગામે યુવતી પતિ અને પરિવાર સાથે રહે છે. બે દિવસ પહેલાં પરિણીતા તેના પિયર અમદાવાદના લાંભા ગામે આવી હતી. પતિ અમદાવાદ કામથી આવ્યા હતા, જેથી તેમણે પત્નીને કહ્યું હતું કે હું કામથી અમદાવાદ આવ્યો છું, જેથી તારે ઘરે બાવળા આવવું હોય તો જોડે આવી જા. જેથી બપોરે 12.30ની આસપાસ પરિણીતા રિક્ષામાં લાંભા ગામથી બેસી હાઇવે પર ચાર રસ્તા પર ઊતરી ગઈ હતી અને પોતાના પતિની રાહ જોતી હતી ત્યારે ભર બપોરે હાઇવે પર કોઈ ન હોવાનો લાભ લઇ રિક્ષાચાલક અન્ય રિક્ષાચાલકને લઈ આવ્યો હતો.
બંને અલગ રિક્ષા લઈને આવ્યા હતા અને પરિણીતાને કહ્યું હતું કે રિક્ષામાં બેસી જા, તમને 1000 રૂપિયા આપીશ. જેથી પરિણીતા ખૂબ જ ગભરાઈ જઈ રડવા લાગી હતી. તેણે રિક્ષાચાલકોને મારા પતિ લેવા આવે છે, તમે અહીંથી જતા રહો કહ્યું હતું. આ સમગ્ર ઘટનાને સામે એક પાનનો ગલ્લો ચલાવતા જાગૃત નાગરિક જોઈ ગયા હતા. પરિણીતાની જોડે જઈ પૂછ્યું હતું કે તમે આ બંનેને ઓળખો છો ? જેથી પરિણીતાએ ના પાડતાં રિક્ષાચાલકોને હેરાન ન કરવા કહ્યું હતું. બંને રિક્ષાચાલકોએ પોતે મામલતદાર હોવાનું ઓળખકાર્ડ બતાવી કાકા ખસી જાઓ અહીંથી, તમને કઈ ખબર ન પડે, એવું કહ્યું હતું પરિણામે તેઓ એ આ બંને ઈસમો ને સીધા કરવા ગામમાં ફોન કરી યુવકોને અને મહિલા હેલ્પલાઇન 181ને જાણ કરી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમ અને યુવકો ત્યાં પહોંચી ગયાં હતાં. બંનેએ જે આઈકાર્ડ બતાવ્યાં એમાં નામ ખોટાં હોવાનું સામે આવ્યું હતું. તેમને મહિલા હેલ્પલાઇનની ટીમે મહિલાની છેડતી અંગે કાઉન્સેલિંગ કરી અને ખોટી ઓળખ આપતાં નજીકના પોલીસ સ્ટેશનમાં સોંપ્યા હતા.
આમ રિક્ષાવાળા પણ હવે મામલતદાર બની ને વટ મારતા થઈ મહિલાઓ ની છેડતી કરી રહ્યા નું સપાટી ઉપર આવ્યું છે.