રાજ્યમાં આજે 11મી તારીખે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી થતા મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી સમીક્ષા કરી હતી.
દક્ષિણ ગુજરાતના ડાંગ, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લાઓ તથા દમણ, દાદરા નગર હવેલી, છોટાઉદેપુર, પંચમહાલ, ભરૂચ, સુરત, તાપી, વડોદરા તથા કચ્છ જિલ્લા તેમજ ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહિસાગર, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાઓમાં પણ અલગ-અલગ સ્થળોએ પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દરમિયાન દક્ષિણ તથા મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં થયેલા વ્યાપક અને ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા માટે મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ જિલ્લાના જિલ્લા કલેકટરો સાથે ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર SEOCથી બેઠક કરીને મુખ્યમંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી હતી.
પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની 13 ટીમ અને SDRFની 16 પ્લાટુન હાલ તૈનાત કરવામાં આવી છે.
છોટા ઉદેપુરમાં વડોદરાથી SDRFની 1 પ્લાટુન મદદ માટે રવાના કરવામાં આવી છે. ઉપરાંત છોટા ઉદેપુરથી 400 લોકો નવસારીમાં 550 લોકો અને વલસાડમાં 470 લોકો સહિત રાજ્યમાં 3250 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલું છે. રાજ્યમાં 10મી જુલાઈના રોજ ભારે વરસાદના પગટેલ સ્ટેટ હાઈવે, પંચાયત હાઈવે અને અન્ય માર્ગો મળીને કુલ 388 રસ્તા બંધ કરવા પડ્યા હોવાના અહેવાલ છે.