અમદાવાદમાં વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે વાહનોનો ઉપયોગ કરવા લાગ્યા છે. તેમની પાસે લાયસન્સ પણ નથી. આવી સ્થિતિમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ફરી સામે આવ્યો છે.
શહેરમાં સવારે એક્ટિવા પર ડબલ સવારીમાં સ્કૂલે જતી વખતે એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું, જેમાં એક્ટિવા ચલાવી રહેલી વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલી યુવતીને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે સાત વાગ્યાના સુમારે બે વિદ્યાર્થીઓ એક્ટિવા લઈને ભદ્રેશ્વર 3 રોડથી ઈન્દિરા બ્રિજ તરફ શાળાએ જઈ રહ્યા હતા. દરમિયાન એક્ટિવા સ્લીપ થતાં બંને વિદ્યાર્થીઓ નીચે પડી ગયા હતા. જેમાં એક્ટિવા ચલાવી રહેલા વિદ્યાર્થીના માથાના ભાગે અને પાછળ બેઠેલી યુવતીના હાથમાં ઈજા પહોંચી હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને 108ને જાણ કરી હતી. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવમાં એક્ટિવા પાછળ બેઠેલી ભૂમિ નામની વિદ્યાર્થિનીના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું રેડીમેડ સ્ટોર ચલાવું છું અને મારા સાળાનું એક્ટિવા વાપરું છું. શુક્રવારે સવારે મારી પુત્રી ભૂમિ એક્ટિવા પર પાડોશમાં રહેતા મિત્ર દેવેશ સાથે શાળાએ ગઈ હતી. હું સૂતો હતો ત્યારે મને તેનો ફોન આવ્યો કે તેનું એક્ટિવા સ્લીપ થઈ ગયું છે અને દેવેશને માથામાં ઈજા થઈ છે. ઘટનાસ્થળે પહોંચતા જ 108ના સ્ટાફે દેવેશને મૃત જાહેર કર્યો હતો. મારી દીકરીને હાથે ઈજા થઈ છે. જેમને મારા મોટાભાઈ નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.