અમદાવાદમાં એક યુવતીને સ્કૂલમાં તેની સાથે ભણતો છોકરો ફેસબુક પર મળ્યો હતો. બંને વચ્ચે થોડો સમય ચાલેલી વાતચીત દરમિયાન પ્રેમ થઈ ગયો હતો. બાદમાં બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ યુવતી ગર્ભવતી થઈ ત્યારે તેના પતિએ તેને તરછોડી દીધી હતી. યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, અમદાવાદમાં નેહા (નામ બદલ્યું છે) તેના પરિવારમાં સૌથી વધુ લાડકી દીકરી હતી. તેને માતા-પિતાએ ખૂબ જ લાડકોડથી ઉછેરી હતી. નેહા ભણીગણીને પગભર થઈ ત્યારે જ ફેસબુક પર સ્કૂલમાં સાથે ભણતા રોહિત( નામ બદલ્યું છે)નો સંપર્ક થયો હતો. રોહિત અને નેહાની ફેસબુક પર વાતચીત દરમિયાન મિત્રતા વધી હતી અને આખરે બંને જણ પ્રેમ સંબંધમાં બંધાઈ ગયાં હતાં. ત્યાર બાદ બંને જણાએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. નેહાનો પરિવાર આ લગ્નની વિરુદ્ધમાં હતો, પરંતુ નેહાને રોહિત જ સર્વસ્વ લાગતો હતો. જેથી બંનેએ પરિવારની વિરુદ્ધમાં જઈને લગ્ન કરી લીધા હતા.
લગ્ન બાદ પણ બંને એકબીજાથી અલગ રહેતાં હતાં, પરંતુ એક વખત બંને જણાએ સાથે રહેવાનું નક્કી કર્યું હતું. નેહાને રોહિત પોતાના ઘરે લઈ ગયો હતો, પરંતુ ઘરે જતાંની સાથે જ સાસરિયાંએ નેહાને કહ્યું હતું કે તારે અહીં રહેવું હોય તો પિયરમાં દરેક સંબંધો કાપી નાખવા પડશે. આ માટે નેહા તૈયાર થઈ ગઈ અને સાસરિયાં સાથે રહેવા લાગી. આ દરમિયાન નેહા ગર્ભવતી થઈ હતી. નેહા ગર્ભવતી થતાં જ સાસરિયાંએ તેમનો અસલી રંગ બતાવવાનું શરુ કરી દીધું હતું. નેહાના બાળકને મિલકતમાં ભાગ ના આપવો પડે એ માટે સાસરિયાં નેહાને ગર્ભપાત કરાવવાનું દબાણ કરતાં હતાં. એક દિવસ નેહાની નણંદે નેહા પાસે જઈને કહ્યું હતું કે તું ગર્ભપાત કરાવી લે, બાદમાં એક ગોળી આપી દીધી હતી, પણ નેહાએ આ ગોળી લેવાનો ઈનકાર કરતાં સાસરિયાંએ તેને હેરાન કરવાનું શરુ કરી દીધું હતું. આખરે સાસરિયાં અને પતિના ત્રાસથી ત્રસ્ત થઈને પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.