અમદાવાદ શહેરમાં ચા માટે વપરાતા પેપર કપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શાહીબાગમાં AMCની ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન એક વ્યક્તિ પ્રતિબંધિત પ્લાસ્ટિક અને કાગળના કપ સાથે પસાર થઈ રહ્યો હતો. આ કિસ્સામાં, AMC દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને પેપર કપના વેચાણકર્તા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ પહેલી ઘટના છે જેમાં પ્લાસ્ટિક-પેપર કપ વેચતા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ હોય.
પ્રતિબંધિત પેપર-પ્લાસ્ટીકના કપ મળવા પર કાર્યવાહી
AMC સોલિડ વેસ્ટ વિભાગના મદદનીશ નિયામક ધર્મિન વ્યાસે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ ઝોન શાહીબાગ વોર્ડના પબ્લિક હેલ્થ સુપરવાઈઝર મિતેશભાઈ પટેલે પાડેલા દરોડા દરમિયાન સવારે નમસ્કાર સર્કલ પાસે ધર્મેન્દ્રભાઈ માળી નામના વ્યક્તિ પાસેથી પ્રતિબંધિત પેપર કપ મળી આવ્યા હતા. તેમની પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક પેપર કપ જપ્ત કરવામાં આવ્યા હતા અને નિયમ મુજબ વહીવટી ચાર્જ ચૂકવવા જણાવ્યું હતું. આ સાથે અન્ય સ્ટાફ વિપુલભાઈ વણકર અને મહેન્દ્રભાઈ બારૈયાને પણ બોલાવવામાં આવ્યા હતા.