ગુજરાતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. ત્યારે વાત કરીએ ગત રોજ છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા નવા કેસોની તો ગઇ કાલે રાજ્યમાં વધુ નવા 3575 કેસ નોંધાયા હતાં. છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક કુલ 3575 કેસ નોંધાયા છે તો રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 22 લોકોના મોત થયા હતાં. જેમાં સુરતમાં 10 અને અમદાવાદમાં 6 દર્દીઓના મોત થયા હતાં. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4620 દર્દીના મોત થઇ ચૂક્યાં છે. હાલમાં 175 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 18 હજાર 684 થઇ ગઇ છે. તો છેલ્લાં 24 કલાકમાં 2217 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 3 લાખ 5 હજાર 149 દર્દીઓ કોરોનામુક્ત બન્યા છે. રાજ્યમાં નોંધાયેલા કોરોના કેસોમાં સૌથી વધુ અમદાવાદમાં 823 કેસ તો સુરતમાં 819 કેસો નોંધાયા છે.
એવામાં અમદાવાદમાં કોરાનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે સોલા સિવિલ ખાતે 450 બેડની કેપિસીટી ધરાવતી સોલા સિવિલમાં 240 બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યાં છે. 450માંથી 68 બેડ આઈસીયુવાળા છે અને તે 68 બેડમાંથી 13 બેડ કોવિડના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યાં છે.એમ્બ્યુલન્સને વેઈટિંગમાં ઉભા રહેવું પડ્યું હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોવિડ બેડોની સંખ્યામાં વધારો કરવા માટે આજે ફરી 18 ખાનગી હોસ્પિટલોમાં 1219 બેડ વધારવામાં આવ્યાં છે. આ સાથે જ અગાઉના નિર્ધારિત ચાર્જ તેમજ સારામાં સારી સુવિધા નાગરિકોને મળી રહે તે માટે આ સ્થિતિને વધુ સરળ બનાવવામાં આવશે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ‘વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને વધુ બેડ ઉમેરવામાં આવશે.’