દેશના સૌથી વધુ સંક્રમિત મહાનગરોમાં બીજા ક્રમે આવતા હોટ સ્પોટ અને રેડ ઝોન અમદાવાદ મહાનગરમાં ૬૪મા દિવસે કોરોના પોઝિટિવ કેસનો આંક વધીને ૧૦૦૦૧ થઇ ગયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં નવા ૩૯૬ કેસ અને ૨૭ દર્દીના મરણ થયાં છે એમાં અમદાવાદના ૨૭૭ કેસ અને ૨૪ દર્દીના મૃત્યુનો સમાવેશ થાય છે.
અમદાવાદની કાબુ બહાર ગયેલી સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ચાલી રહેલી મથામણનો કોઇ સાર આવતો હોય એમ જણાતું નથી એ પરિસ્થિતિ વચ્ચે હવે રાજ્યના અન્ય શહેરો, જિલ્લાઓમાં સંક્રમણ વધી રહ્યું છે એ સ્પષ્ટ થાય છે. છેલ્લા ચોવીસ કલાકમાં સુરતમાં નવા ૨૯ કેસ ઉમેરાયા છે જેના કારણે તેનો કુલ આંક તેર સો સુધી પહોંચવાની તૈયારીમાં છે. હાલ કેસ ૧૨૯૫ સુધી પહોંચ્યા છે જ્યારે વધુ ૩ દર્દીના અવસાન સાથે મૃત્યુ આંક વધીને ૬૦ થયો છે. માર્ચના અંતિમ સપ્તાહમાં રાજ્યમાં કોરોનાથી સૌથી પહેલું મોત સુરતમાં નોંધાયું હતું.