ટુ-વ્હિલર હોય કે,ફોર વ્હિલર. હવે વાહન માટે પસંદગીનો નંબર મેળવવાનો ક્રેઝ વધી રહ્યો છે. આખાય ગુજરાતમાં પસંદગીના નંબર માટે આરટીઓ કચેરીમાં દર વર્ષે અંદાજે ૨૪ હજાર જેટલી અરજીઓ આવે છે.આ સાબિત કરે છેકે, ગુજરાતીઓમાં વાહન માટે પસંદગીનો નંબર મેળવવા કેટલી હદે ટ્રેન્ડ વધી રહ્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં વાહન માટે પસંદગીના નંબર મેળવવા ગુજરાતીઓએ રૂા.૩૦૦ કરોડ ખર્ચ્યા છે. ગુજરાતમાં પસંદગીના નંબર મેળવવા માટે આરટીઓ કચેરીમાં અરજીઓની સંખ્યા વધી રહી છે. પસંદગીના નંબર માટે વધતા ક્રેઝને લીધે રાજ્ય સરકારને ય આવક વધી છે.પસંદગીના નંબર મેળવવા રાજ્યભરની આરટીઓ કચેરીમાં વર્ષ ૨૦૧૪-૧૫માં ૨.૩૪ લાખ અરજીઓ, વર્ષ ૨૦૧૫-૧૬માં ૨.૪૪ લાખ,વર્ષ ૨૦૧૬-૧૭માં ૨.૫૪ લાખ, વર્ષ ૨૦૧૭-૧૮માં ૨.૬૨ લાખ,વર્ષ ૨૦૧૮-૧૯માં ૨.૪૦ લાખ અરજીઓ આવી હતી.
રાજ્ય વાહન વ્યવહાર વિભાગે વર્ષ ૨૦૧૪-૧૫માં ૨.૨૦ લાખ,વર્ષ ૨૦૧૫-૧૬માં ૨.૩૧ લાખ, વર્ષ ૨૦૧૬-૧૭માં ૨.૪૧ લાખ,વર્ષ ૨૦૧૭-૧૮માં ૨.૪૯ લાખ અને વર્ષ ૨૦૧૮-૧૯માં ૨.૨૬ લાખ વાહનોને પસંદગીના નંબર ફાળવ્યા હતાં. દર વર્ષે રાજ્ય સરકારને પસંદગીના નંબર પેટે સરેરાશ ૬૦ કરોડ જેટલી માતબર રકમની આવક થઇ રહી છે. રાજ્ય સરકારને છેલ્લા પાંચ વર્ષમાં પસંદગીના નંબર ફાળવતાં રૂા.૩૦૦,૬૦,૦૦,૧૩૬ રકમની આવક થવા પામી છે. વર્ષ ૨૦૧૭-૧૮માં રૂા.૬૫.૫૪ કરોડની આવક થઇ હતી. આ વર્ષે જૂન સુધીમાં રૂા.૬૪.૧૮ કરોડની આવક થઇ ચૂકી છે. આ જોતાં પસંદગીના નંબર માટે ગુજરાતીઓ નાણાં વાપરી રહ્યાં છે.