ગાંધીનગરઃ ગુજરાતમાંથી તાઉતે વાવાઝોડું પસાર થઈ ગયું છે. પરંતુ 18મી મેના રોજ તાઉતે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતાના આખા ગુજરાતને ગમરોળ્યું હતું. ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. હજી ત્રણ દિવસ રાજ્યમાં ધોધમારથી લઈને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બુધવારે અમદાવાદ સહિત કુલ 23 જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી છે.
આ ઉપરાંત ગુરૂવાર અને શુક્રવારે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ જ્યારે બુધવારે રાજ્યમાં પ્રતિ કલાકે 40થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે શુક્રવારે સવારથી શનિવારે સવારે છ વાગ્યા સુધીનાં વરસાદની વાત કરીએ તો 227 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ખેડાનાં નડિયાદમાં 9.04 ઇંત વરસાદ ખાબક્યો છે. જ્યારે ગીરસોમનાથમાં 7.4 ઇંચ વરસાદ નોંધાયો છે.
વાવાઝોડાના પગલે ગુજરાતમાં મે મહિનામાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાકમાં વરસાદનાં આંકડાની વાત કરીએ તો, ખેડાનાં નડિયાદમાં 9.04 ઇંચ, ગીરસોમનાથમાં 7.4 ઇંચ, ઉનામાં 7.08, ભાવનગરમાં 6.56, ખેડામાં 6.52, આણંદમાં 6.36, વલસાડનાં ઉમરગામમાં 06.08 ઇંચ, માતારમાં 5.92, પારડીમાં 5, ખંભાતમાં 5.2 ઇંચ, સુરતમાં 5 ઇંચ અને અમદાવાદમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
વરસાદની આગાહીની વાત કરીએ તો, હવામાન વિભાગે જણાવ્યાં પ્રમાણે, આજે એટલે 19મીએ સાબરકાંઠા, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ અને મોરબીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, બોટાદ અને જામનગરમાં ભારે વરસાદ વરસવાની આગાહી છે. આ તમામ વિસ્તારમાં પ્રતિકલાકે 40થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
જ્યારે આવતી કાલે એટલે 20મી તારીખે, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી અને કચ્છમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ પડશે તથા પ્રતિ કલાકે 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે.