ગાંધીનગર : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બીજા તબ્બકાનું મતદાન છે. આજે રવિવારે સવારે સાત વાગ્યાથી ગુજરાતની નગરપાલિકા, તાલુકા-જીલ્લા પંચાયતોનું મતદાન શરુ થશે. જે સાંજના છ વાગ્યા સુધી ચાલશે. ગુજરાતની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની સામાન્ય તથા 23 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી મતદાન થશે. ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો રવિવારે અંતિમ તબક્કો છે. રાજ્યની 8200થી વધુ બેઠકો પર 22200 કરતાં વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમ કેદ થશે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ રહેશે. અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 809 ઉમેદવાર મેદાનમાં છે. જિલ્લા અને તાલુકામાં 1 હજાર 199 મતદાન કેંદ્ર ઉભા કરાયા છે.
ઉલ્લેખનીય છે કે 81 નગરપાલિકાના ચૂંટણી હેઠળના 680 વોર્ડની કુલ 2720 બેઠકો પૈકી 95 બેઠકો બિનહરીફ થયેલ છે જ્યારે 2625 બેઠકો પર ચૂંટણી યોજાશે. ભારતીય જનતા પાર્ટીના 2555 ઉમેદવારો, કોંગ્રેસના 2247 ઉમેદવારો, આમ આદમી પાર્ટીના 719 ઉમેદવારો, બીએસપીના 109 ઉમેદવારો અન્ય પક્ષના 432 ઉમેદવારો તથા 1184 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે.
31 જિલ્લા પંચાયતની ચૂંટણી હેઠળની 980 બેઠકો પૈકી 25 બેઠકો બિનહરીફ થયેલ છે જ્યારે 955 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. જે પૈકી ભારતીય જનતા પાર્ટીના 954 ઉમેદવારો, કોંગ્રેસના 937 ઉમેદવારો, બીએસપીના 88 ઉમેદવારો, આમ આદમી પાર્ટીના 304 ઉમેદવારો અન્ય પક્ષના 163 ઉમેદવારો તથા 209 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે.
231 તાલુકા પંચાયતની ચૂંટણી હેઠળના 4774 બેઠકો પૈકી 117 બેઠકો બિનહરીફ થયેલ છે. જ્યારે ૨ બેઠકો પર ફોર્મ ભરાયેલ નથી. 4655 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. જે પૈકી ભારતીય જનતા પાર્ટીના 4652 ઉમેદવારો, કોંગ્રેસના 4594, બીએસપીના 255 ઉમેદવારો છે.
2015માં પાટીદાર આંદોલન વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતોમાંથી 23થી વધુ જિલ્લા પંચાયતો કોંગ્રેસના ફાળે ગઈ હતી. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું.