રાજ્યમાં ધોધમાર વરસાદનો કહેર
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદની તીવ્રતા જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારે વરસાદનો ધમાકો થયો. શહેરના દસક્રોઈ તાલુકામાં માત્ર 6 કલાકમાં જ 8.7 ઇંચ વરસાદ પડતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ
દસક્રોઈ ઉપરાંત મહેમદાબાદમાં 6 ઇંચ, કઠલાલ, નડિયાદ અને માતરમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભિલોડા અને ભાભરમાં 3.5 ઇંચ, જ્યારે ઉમરેઠ, બાવળા અને કાંકરેજમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સમગ્ર ક્ષેત્રમાં માત્ર 6 કલાકની અંદર કુલ 142 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસ્યાં
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં રોડ, ઘરો અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. દાણીલીમડા વિસ્તારમાં તો જાહેર પરિવહન વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા. ખોખરા, શાહઆલમ અને હાટકેશ્વર વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારો ભિંજાયા
પૂર્વ અમદાવાદમાં મણિનગર, જશોદાનગર, હાટકેશ્વર અને ખોખરામાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો. પશ્ચિમ વિસ્તારમાં સરખેજ, જુહાપુરા, જોધપુર, સેટેલાઈટ, પ્રહલાદનગર, આશ્રમ રોડ, પાલડી અને વાસણામાં એકથી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. આનંદનગરમાં તો ઢીંચણ જેટલા પાણી ભરાઈ ગયા છે.
ગટરનો કહેર અને રસ્તાઓ પર નદી જેવી સ્થિતિ
વેજલપુર વિસ્તારમાં મકરબા પોલીસ મથક પાસે ગટરના પાણી બેક મારતાં રસ્તા પર નદી જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક વાહનચાલકોને રસ્તા પરથી પસાર થવામાં તકલીફ પડી રહી છે.
વરસાદે ફરી ઉઘાડ્યા ડ્રેનેજ અને શહેરી વ્યવસ્થાપનના પ્રશ્નો
દર વર્ષે આવો વરસાદ થાય છે ત્યારે શહેરના ડ્રેનેજની નબળી વ્યવસ્થા ખુલ્લી પડી જાય છે. ત્યારે કાયમી ઉકેલની માંગ ફરી ઉઠી રહી છે.
દસક્રોઈ સહિત સમગ્ર અમદાવાદ શહેરમાં રસ્તાઓ અને વસાહતોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. શહેરવાસીઓએ તંત્ર પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુધારાની માંગ સાથે કાયમી ઉકેલ માટે આલોચના શરૂ કરી છે.