અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025માં 300થી વધુ ઇવેન્ટ્સ અને નિઃશુલ્ક પ્રવેશ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે હેરિટેજ સિટી અમદાવાદને વૈશ્વિક સાહિત્ય નકશા પર સ્થાન અપાવવાના મહત્ત્વાકાંક્ષી પ્રયાસ રૂપે “Ahmedabad International Book Festival 2025”નું આયોજન કરવામાં આવ્યું છે. “વાંચે ગુજરાત 2.0” અભિયાન હેઠળ આ મહોત્સવ 13 નવેમ્બરથી 23 નવેમ્બર 2025 સુધી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે ઉજવાશે.
જ્ઞાન અને પુસ્તકપ્રેમ માટે 11 દિવસનો ઉત્સવ
એક લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલા આ બુક ફેસ્ટિવલમાં 300થી વધુ ઇવેન્ટ્સનું આયોજન થશે. આ ફેસ્ટિવલમાં તમામ વયના પુસ્તકપ્રેમીઓને માટે કંઈક ખાસ છે — સાહિત્યિક ચર્ચાઓ, વર્કશોપ્સ, વાર્તાકથન, કાવ્યગોષ્ઠીઓથી લઈને આર્ટ અને હેન્ડક્રાફ્ટ સુધીની પ્રવૃત્તિઓ યોજાશે. પ્રવેશ સંપૂર્ણ નિઃશુલ્ક છે અને ગ્રાઉન્ડમાં ફ્રી પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.

ગુજરાતનો સૌથી મોટો ક્લાસરૂમ
આ બુક ફેસ્ટિવલ માત્ર પુસ્તક મેળો નથી, પરંતુ ગુજરાતનો સૌથી મોટો ખૂલેલો ક્લાસરૂમ છે — જ્યાં દીવાલો નથી અને શીખવાનો આનંદ છે. ધોરણ 1 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ ફ્રી રજિસ્ટ્રેશન કરીને પોતાની શૈક્ષણિક સફરને નવી દિશા આપી શકે છે.
ફેસ્ટિવલને ત્રણ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે:
ઝોન 1 – ચિલ્ડ્રન્સ કોર્નર (NCCL Pavilion): સવારના 9 થી 12.30 સુધી સ્ટોરીટેલિંગ, પપેટ થિયેટર, મંડલા આર્ટ, બેસ્ટ-આઉટ-ઓફ-વેસ્ટ અને ડાન્સ-ડ્રામા જેવી પ્રવૃત્તિઓ.
ઝોન 2 – જ્ઞાન ગંગા: ગઝલ, કવિતા, સ્ક્રિપ્ટ રાઇટિંગ, નિબંધ, પેઈન્ટિંગ અને હેન્ડક્રાફ્ટ વર્કશોપ્સ સવારે 10 થી સાંજે 5 સુધી.
ઝોન 3 – શતાબ્દી મહોત્સવ પેવેલિયન: રોજના 10 થી સાંજના 7:30 સુધી ઇન્ટર-સ્કૂલ મેગા કોન્ટેસ્ટના ફાઇનલ રાઉન્ડ યોજાશે.
ઇનામો, ફિલ્મો અને સાંસ્કૃતિક સાંજ
13 થી 21 નવેમ્બર દરમિયાન વિવિધ ઇન્ટર-સ્કૂલ સ્પર્ધાઓ જેવી કે ક્વિઝ, વાર્તાકથન, ફેન્સી ડ્રેસ, ઇમ્પ્રમ્પ્ટુ સ્પીચ અને બુક રીડિંગ કોન્ટેસ્ટ યોજાશે. વિજેતાઓને ટ્રોફી અને આકર્ષક ઇનામો એનાયત કરાશે. સાંજે 5.30 થી 7.30 દરમિયાન Children’s Film Festival હેઠળ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મો દર્શાવવામાં આવશે. ફેસ્ટિવલ દરમિયાન દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે, જેમાં કિર્તીદાન ગઢવીનું લોક ઓર્કેસ્ટ્રા, અંકિત ત્રિવેદીનું કાવ્ય-સંગીત, સંદીપ ક્રિશ્ચિયન ઓર્કેસ્ટ્રા, તેમજ લેફ્ટ. જન. (નિવૃત્ત) કેજેએસ ઢીલોન અને આઈપીએસ કે. વિજયકુમાર સાથે “શૌર્ય સંવાદ” જેવી વિશિષ્ટ ઇવેન્ટ્સ રહેશે.

વિદ્યાર્થીઓ માટે ખાસ તક
કોલેજના વિદ્યાર્થીઓને આચાર્ય પ્રશાંત, ગુરચરણ દાસ, નિતિન સેઠી અને કુલપ્રીત યાદવ જેવા પ્રતિભાશાળી મહાનુભાવોને મળવાનો અવસર મળશે. ઉપરાંત, AI, ક્રાઇમ જર્નાલિઝમ, ગાંધી-મંડેલા લેગસી જેવા વિષયો પર લાઇવ સેશન્સ યોજાશે. પ્રકાશકો સાથે સ્થળ પર જ ઇન્ટર્નશિપ અને કન્ટેન્ટ-રાઇટિંગ તકો ઉપલબ્ધ રહેશે.
જોડાવાની રીત
તમારી શાળા/કોલેજ માટે એક જ Google Form ભરો.
ઇચ્છિત તારીખ અને ઝોન પસંદ કરો.
કન્ફર્મ થયેલ બસ પાર્કિંગ સ્લોટ અને શિક્ષક પાસ ઈમેઈલ દ્વારા મેળવો.
યુનિફોર્મમાં આવેલા વિદ્યાર્થીઓ અને સાથ આપતા શિક્ષકો માટે પ્રવેશ સંપૂર્ણ ફ્રી છે (1:15 રેશિયો મુજબ).
કૃપા કરીને શાળાનું ID કાર્ડ સાથે લાવો.

