‘સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન’ની અરજી પર સુપ્રીમ કોર્ટ ગંભીર, કેન્દ્રને આપ્યો ચોખ્ખો આદેશ
12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગણી કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) અને વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB) ને નોટિસ પાઠવી છે. ‘સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન’ નામની સંસ્થાએ આક્ષેપ કર્યો છે કે 260 લોકોના મૃત્યુવાળી આ દુર્ઘટનાની તપાસ પારદર્શક અને નિષ્પક્ષ રીતે થઈ રહી નથી.
ઘટના અને અરજીકર્તાના આક્ષેપો
12 જૂને અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ વિમાન ટેકઓફના થોડા સમય બાદ જ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 લોકો સહિત કુલ 260 લોકોનાં મોત થયાં હતાં. અરજીકર્તાના વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટમાં રજૂઆત કરી કે ઘટનાને 100 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, દુર્ઘટનાનું કારણ અને તેના માટે જવાબદાર વ્યક્તિઓ વિશે કોઈ સ્પષ્ટતા નથી.
પ્રશાંત ભૂષણે વધુમાં જણાવ્યું કે આ કેસમાં DGCAની ભૂમિકા પણ શંકાસ્પદ છે, તેમ છતાં તપાસ ટીમમાં DGCAના ત્રણ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર જીવતા સાક્ષીનું નિવેદન પણ પ્રારંભિક રિપોર્ટમાં સામેલ કરવામાં આવ્યું નથી.
‘માત્ર પાયલોટને દોષ આપવાનો પ્રયાસ’
અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પ્રારંભિક તપાસ રિપોર્ટના માત્ર અમુક ભાગને જ જાહેર કરવામાં આવ્યો છે. વિમાનની તકનીકી અને યાંત્રિક ખામીઓને અવગણીને માત્ર પાયલટની ભૂલને જ મુખ્ય કારણ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે તપાસની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવે છે. અરજીકર્તાએ એક સ્વતંત્ર તપાસ ટીમની રચના અને વિમાનના ફ્લાઇટ ડેટા રેકોર્ડરની માહિતીને સાર્વજનિક કરવાની માંગ કરી છે.
સુપ્રીમ કોર્ટનું વલણ
ન્યાયાધીશોએ અરજીમાં ઉઠાવેલી ચિંતાઓ સાથે સહમતી દર્શાવી. કોર્ટે કહ્યું કે પ્રારંભિક રિપોર્ટ પછી માત્ર પાયલટની ભૂલ પર જ ચર્ચા થવી દુર્ભાગ્યપૂર્ણ છે. જોકે, તમામ માહિતીને સાર્વજનિક કરવાની અરજીકર્તાની માંગને પણ કોર્ટે યોગ્ય ગણાવી નથી. કોર્ટે આશા વ્યક્ત કરી કે અંતિમ તપાસ રિપોર્ટમાં તમામ સવાલોના જવાબ મળી જશે. કોર્ટે આ મામલે સરકાર, DGCA અને AAIB ને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે, ખાસ કરીને એ મુદ્દા પર કે શું દુર્ઘટનાની સ્વતંત્ર, નિષ્પક્ષ અને ઝડપી તપાસ થઈ રહી છે.