Ahmedabad Plane Crash: એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સનનો જવાબ: દુર્ઘટનામાં ટેકનિકલ ખામી નકારાઈ
Ahmedabad Plane Crash: 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં થયેલી વિમાની દુર્ઘટનાને લઈને એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સને મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે. તેમનું કહેવું છે કે વિમાનના કોઈ પણ તંત્રમાં ખામી નહોતી અને બળતણમાં પણ કોઈ સમસ્યા નોંધાઈ નહોતી. તેમણે કહ્યું કે, આ દુર્ઘટના સંબંધિત જે તે વિભાગોએ સંપૂર્ણ રીતે તપાસ કરી હતી અને વિમાન તકનિકી રીતે ઉડાન માટે યોગ્ય હતું.
AAIB રિપોર્ટમાં ટેકનિકલ ખામી નકારાઈ
એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા રજૂ કરાયેલા પ્રાથમિક રિપોર્ટ મુજબ, બોઇંગ-787 વિમાનની જાળવણી યોગ્ય રીતે કરવામાં આવી હતી. વિમાનના તમામ ટેકનિકલ પાસાઓ – જેમ કે એન્જિન, બળતણ ટેન્ક અને ટેકઓફ સિસ્ટમ – સંપૂર્ણ રીતે ચકાસવામાં આવ્યા હતા. એર ઇન્ડિયાએ સ્પષ્ટ કર્યું કે બળતણમાં કોઈ અછત નહોતી અને ટેકઓફ દરમિયાન પણ કોઈ ખામી સર્જાઈ નહોતી.
પાયલટસની ફિટનેસ અને ટેસ્ટ પોઝિટિવ
CEO વિલ્સને જણાવ્યું કે, દુર્ઘટનાગ્રસ્ત AI-171 ફ્લાઇટના બંને પાયલટસે બ્રેથલાઈઝર ટેસ્ટ અને ફિટનેસ પરીક્ષણ સફળતાપૂર્વક પાસ કર્યું હતું. ડિરેક્ટોરેટ જનરલ ઓફ એવિએશન (DGCA) હેઠળ તમામ વિમાનોની નિયમિત અને કડક તપાસ કરવામાં આવે છે, જેથી કોઈ પણ પ્રકારની ઉડાન ખામી રહિત રહે.
વિદેશી એજન્સીઓ તરફથી પણ ટેકનિકલ સલામતીની પુષ્ટિ
યુએસ ફેડરલ એવિએશન મિનિસ્ટ્રી (FAA) અને બોઇંગ કંપનીએ પણ વિમાનના ફ્યુઅલ સ્વીચ અને અન્ય સુરક્ષા તંત્રોને લઈને સ્પષ્ટતા આપી છે કે, બોઇંગ વિમાનોમાં મુકાયેલ તમામ સુરક્ષા સુવિધાઓ માન્ય અને સુરક્ષિત છે.
વિવાદનું કેન્દ્ર: ફ્યુઅલ કટ-ઓફ મોડ
AAIBના રિપોર્ટ અનુસાર, પ્લેન ટેકઓફ થયા પછી માત્ર 3 સેકન્ડમાં જ ફ્યુઅલ સ્વીચ “રન મોડ”માંથી “કટ-ઓફ મોડ”માં ખસી ગયો, જેના પરિણામે એન્જિન્સે બળતણ મેળવવાનું બંધ કરી દીધું અને પ્લેન ક્રેશ થયું. પાયલટે સ્થિતિ સંભાળવાની કોશિશ કરી હતી અને એક એન્જિન રિકવર થયો પણ બીજું એન્જિન શરૂ થઈ શક્યું નહીં.
આ દુર્ઘટનામાં ફ્લાઇટમાં સવાર ક્રૂ મેમ્બર અને મુસાફરો સહિત કુલ 260 લોકોના જીવ ગયા, જેમાં 19 લોકો ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા અને માત્ર એક મુસાફર જીવતો બચ્યો હતો. ઘટના પછી સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો અને ભારત સહિત અનેક દેશોમાં વિમાન સલામતી અંગે નવી ચર્ચાઓ શરૂ થઈ હતી.