અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની તારીખ જાહેર

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
4 Min Read

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ-૨૦૨૫ આગામી પાંચમી ડિસેમ્બરથી ૧૬ જાન્યુઆરી ૨૦૨૬ સુધી યોજાશે

  • મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ-૨૦૨૫-૨૬ના આયોજન માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક સંપન્ન
  • આ વર્ષના અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં સ્વદેશી પ્રોડક્ટ્સને ગ્લોબલ અપિલ સાથે પ્રમોટ કરાશે.
    ‘વોકલ ફોર લોકલ’ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરશે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ.
  • રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આ વર્ષે આગામી પાંચમી ડિસેમ્બરથી ૧૬ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ યોજાશે.
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી આ શોપિંગ ફેસ્ટિવલના આયોજન અંગેની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશના નવયુવાનોની મહેનત અને દીકરા-દીકરીઓના પરિશ્રમના પરસેવાથી બનેલી સ્વદેશી વસ્તુઓના વધુને વધુ ઉપયોગના કરેલા આહવાનને સાકાર કરવા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં આ વર્ષે સ્વદેશી પ્રોડક્ટ્સને ગ્લોબલ અપીલ સાથે પ્રમોટ કરવામાં આવશે એમ પણ આ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલે દેશમાં સૌથી મોટા શોપિંગ ફેસ્ટિવલ તરીકે જે ઈમેજ ઉભી કરી છે તેને વિવિધ થીમ સાથેના બજારો ઉભા કરીને વધુ વ્યાપક બનાવવાના આયોજનની ચર્ચા-પરામર્શ આ બેઠકમાં થયા હતા.

- Advertisement -

સહકાર અને ઉદ્યોગ રાજ્યમંત્રી  જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, નાણાં અગ્ર સચિવ ટી.નટરાજન, જી.એસ.ટી. કમિશનર  રાજીવ ટોપનો, શહેરી વિકાસ અગ્ર સચિવથેન્નારસન, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને સચિવ ડૉ. વિક્રાંત પાંડે સહિત સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવ આ બેઠકમાં સહભાગી થયા હતા.

abd

- Advertisement -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષનો શોપિંગ ફેસ્ટિવલ બહોળા પ્રમાણમાં લોકોને આકર્ષે અને અહીં બધુ મળે છે તેવી ઈમેજ લોકોમાં ઉભી થાય તે પ્રકારની પ્રોડક્ટ્સના વેચાણ માટે બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.

આ વર્ષે સંભવત: જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમાં વેડિંગ ડેસ્ટિનેશન ઝોન સહિત અલગ-અલગ ઝોન ઊભા કરીને શોપિંગ ફેસ્ટિવલમાં એક જ સ્થળેથી વિવિધ ચીજવસ્તુઓ અન્ડર વન અમ્બ્રેલા મળી રહે તેવા આયોજન માટે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

ફેસ્ટિવલમાં ખાસ કરીને એન.આર.આઈ. – એન.આર.જી. અને વિદેશી પ્રવાસીઓ પણ ઉત્સાહથી સહભાગી થાય તે માટે સ્વદેશી ચીજ વસ્તુઓ સાથે પરંપરાગત ખાનપાન, હેરિટેજ વોક, સાંસ્કૃતિક પ્રસ્તુતિની પણ સુચારું વ્યવસ્થા કરવા સંદર્ભમાં બેઠકમાં ફળદાયી વિચાર વિમર્શ થયો હતો.

- Advertisement -

આ સમગ્ર આયોજનને આખરી ઓપ આપવા રચવામાં આવેલી એડવાઈઝરી કમિટી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના સર્વગ્રાહી પાસાંઓને સાંકળી લઈને વિસ્તૃત પ્લાનિંગ કરે તેવું પ્રેરક સૂચન મુખ્યમંત્રીએ બેઠકમાં કર્યું હતું.

તેમણે ગત વર્ષના શોપિંગ ફેસ્ટિવલની પણ સમીક્ષા કરી હતી અને આ વર્ષનો શોપિંગ ફેસ્ટિવલ ફુલ પ્રુફ આયોજન સાથે વોકલ ફોર લોકલને વેગ આપનારો બને તે માટે અનુરોધ કર્યો હતો.

abd.1 1

મુખ્યમંત્રી સમક્ષ અગાઉના વર્ષના અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની સફળતાનું પ્રેઝન્ટેશન કરતા જણાવવામાં આવ્યું હતું કે, ગત વર્ષે ૨૫ લાખથી વધુ લોકોએ આ ફેસ્ટિવલનો લાભ લીધો હતો. વિવિધ બ્રાન્ડ્સની ૫૧૧૨ શોપ્સ ફેસ્ટિવલમાં જોડાઈ હતી અને માતબર વેચાણ થયુ હતું.

આ શોપિંગ ફેસ્ટિવલમાં ડેકોરેટીવ લાઈટીંગ, ફેસ્ટિવલના સ્થળોએ જવા-આવવા વિના મૂલ્યે બસ સેવા, પાર્કિંગ તેમજ મેડીકલ ઈમરજન્સી સહિત અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી હતી. તેની વિગતો પણ પ્રેઝન્ટેશનમાં પ્રસ્તુત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ વર્ષના અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં પણ વધુ સંગીન સુવિધાઓ માટે અમદાવાદ મહાનગરપાલિકાને સૂચનો કર્યા હતા.

આ અયોજન બેઠકમાં પ્રવાસન સચિવ ડૉ. રાજેન્દ્ર કુમાર, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર આલોક પાંડે, ડાયરેક્ટર મ્યુનિસિપાલીટીઝ એડમીનીસ્ટ્રેશન સુશ્રી રમ્યા મોહન સહિતના સચિવો અને વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.