બેંગલુરુઃ સામાન્ય રીતે દેશ અને દુનિયામાં અનેક એવી ચમત્કારી ઘટનાઓ બનતી રહે છે. જેના ઉપર આપણે વિશ્વાસ ન કરી શકીએ પરંતુ હકીકતમાં એ ઘટના બની હોય. આવી જ એક ઘટના બેંગલુરુમાં બની હતી. જ્યાં એકસ્માત બોદ ડોક્ટરોએ મૃત કરેલા 27 વર્ષીય યુવક પોસ્ટમોર્ટમના ટેબલ ઉપર ફરી જીવતો થયો હતો. આ ઘટના જોઈને ડોક્ટરો પણ ચોંકી ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે કર્ણાટકના રાબાકાવી-બાનાહાતી તાલુકાના મહાલિંગપુરમ ગામમાં બની છે. જ્યાં એક પરિવારનો જુવાનજોધ છોકરો 27 વર્ષી ઉંમરે અકસ્માત થયા બાદ ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જોકે પોસ્ટમોર્ટમ પહેલા જ તે ફરી જીવિત થયો હતો.
27 વર્ષનો શંકર શન્મુખ ગોમ્બી રોડ એક્સિડેન્ડમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ફરજ પરના ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો. શનિવારે થયેલા આ અકસ્માત બાદ પરિવાર તેની સારવાર માટે નજીક આવેલા મોટા શહેર બેલાગાવી પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે એમ કહ્યું હતું કે જો દર્દીને સારવાર આપવી હોય તો હાલ તો સૌથી પહેલા તેને વેન્ટિલેટર પર રાખવો પડશે નહીંતર તે જલ્દીથી મૃત્યુ પામશે.
પરિવારે જુવાનજોધ દીકરાને જીવતો રાખવા ડોક્ટરની વાત તરત જ માની લધી. પરિવારના એક સભ્યના જણાવ્યા અનુસાર ‘મૃત જાહેર કર્યા બાદ અમે તેને રવિવારે રાત્રે એમ્બ્યુલન્સ દ્વારા મહાલિંગપુરની સરકારી હોસ્પિટલમાં લઈ આવ્યા જ્યાં સરકારી હોસ્પિટલના સ્ટાફે તેને મૃત જાહેર કર્યો. જે બાદ યુવકના બોડીને પોસ્ટમોર્ટમ રુમમાં મોકલી આપવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ રુમમાં સીનિયર અધિકારી પોસ્ટમોર્ટમ કરવાની તૈયારી કરતા હતા ત્યારે તેમણે યુવકના શરીરમાં કેટલીક મુવમેન્ટ થતી હોવાનું નોંધ્યું જેથી ધ્યાન પૂર્વક નિરિક્ષણ કરતા તે જીવિત હોવાનું સામે આવ્યું હતું.’
તાલુકા આરોગ્ય અધિકારી ડો. જી.એસ. ગાલાગાલીએ કહ્યું કે અમને જાણ કરવામાં આવી હતી કે યુવક મૃત્યુ પામ્યો છે પરંતુ પરિવારની વિનંતી પર અમે હોસ્પિટલ ગયા હતા અને યુવકની મુલાકાત લીધી હતી ત્યારે તેના શરીરમાં કેટલીક મુવમેન્ટ જોવા મળી હતી. તેનો હાથ અને પગ ધ્રુજતા હતા. જ્યારે અમે તેને ફરીથી પૂરી રીતે ચેક કર્યો ત્યારે અમને તે જીવિત હોવાનું ખબર પડી. હવે તેને વધુ સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.