Almond Ram Temple in Rajkot: રાજકોટમાં અનોખું દૈવીય રામ મંદિર, બદામથી બનેલું 32 કિલો વજનનું શ્રદ્ધાનું પ્રતિક
Almond Ram Temple in Rajkot: રાજકોટના લોકો નવીનતા માટે પ્રખ્યાત છે અને દરેક તહેવારને હર્ષોલ્લાસભેર ઉજવે છે. રામ નવમીના પાવન પ્રસંગે, રાજકોટના ગાયત્રી ડેરીના માલિક કિશોરભાઈ સાકરિયા અને તેજભાઈ સાકરિયાએ બદામમાંથી એક અનોખું રામ મંદિર બનાવ્યું છે, જે રેઈન બજારમાં તેમની દુકાનમાં મૂકવામાં આવ્યું છે.
આ મંદિરની કોતરણી અયોધ્યાના રામ મંદિર જેવી જ છે અને તેમાં ભગવાન શ્રી રામ, માતા સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજીની મૂર્તિઓ સ્થપિત કરવામાં આવી છે. મંદિરનું વજન 32 કિલો છે અને એ બનાવવામાં સારી ગુણવત્તાવાળી બદામનો ઉપયોગ કરાયો છે.
તેજભાઈ સાકરિયાએ જણાવ્યું હતું કે તેઓ રામ નવમી પર કંઈક અનોખું કરવાનું ઈચ્છતા હતા, તેથી આ કલાત્મક કૃતિ તૈયાર કરી. લોકો માટે આ મંદિર રામ નવમી સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. ત્યાર બાદ, તેને શહેરના કોઈ મોટા રામ મંદિરમાં દાન કરવામાં આવશે.
હવે, મોટી સંખ્યામાં ભક્તો સવારે જ અહીં દર્શન માટે આવી રહ્યા છે. બદામથી બનેલા આ દિવ્ય મંદિરમાં પ્રવેશતાં જ ભક્તોને અધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે. હનુમાનજી અને શ્રી રામના દર્શન ભક્તોના ભક્તિભાવને વધુ પ્રબળ બનાવે છે.