Ancient Dagger Found in Poland: પોલેન્ડના દરિયાકાંઠે મળ્યો 2500 વર્ષ જૂનો રહસ્યમય ખંજર
Ancient Dagger Found in Poland: પોલેન્ડના બાલ્ટિક સમુદ્રના કિનારે તોફાન પછી એવું કંઈક બન્યું કે વૈજ્ઞાનિકો આશ્ચર્યમાં પડી ગયા. તોફાનની અસરથી દરિયાકાંઠે પડેલો એક પથ્થર તૂટી ગયો અને તેના નીચે છુપાયેલો 2500 વર્ષ જૂનો ખંજર બહાર આવી ગયો. આ ખંજર એટલી શ્રેષ્ઠ હાલતમાં છે કે તેને પોલેન્ડની સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક શોધોમાં સ્થાન મળ્યું છે.
સેન્ટ કોર્ડુલા એસોસિએશનના સભ્યો જેસેક ઉકોવસ્કી અને કેટારઝીના હર્ડઝિક મેટલ ડિટેક્ટર સાથે શોધખોળ માટે ગયાં ત્યારે તેમને પથ્થરના ઢગલામાંથી આ ખંજર મળ્યો. તેમને તરત જ આ ખજાનો કૈમિએન લેન્ડ મ્યુઝિયમને સોંપી દીધો.
વિશેષજ્ઞો મુજબ, આ ખંજર હોલસ્ટેટ યુગનો છે (૧૨૦૦ થી ૪૫૦ બીસી). તેની સપાટી પર ચંદ્ર, તારાઓ અને નક્ષત્રોની કલ્પનાઓ દર્શાવતી સુંદર કોતરણી છે, જે સંકેત આપે છે કે તેનો ઉપયોગ ધાર્મિક વિધિઓમાં થતો હશે. આ કારીગરી અત્યંત સુક્ષ્મ અને અનન્ય છે.
મ્યુઝિયમના નિર્દેશક ગ્રેગોર્ઝ કુર્કાએ આ ખંજરને “સાચી કલા” તરીકે વર્ણવ્યો છે. તેમનું કહેવું છે કે આવા પ્રકારનું શસ્ત્ર તેમણે પહેલા ક્યારેય નથી જોયું. હવે વૈજ્ઞાનિકો આ ખંજરનું રાસાયણિક વિશ્લેષણ કરીને જાણવા ઈચ્છે છે કે તેની રચનામાં કયા ધાતુઓ છે, તે ક્યાં બનાવાયું હતું અને તેનો ખરો હેતુ શું હતો.
આ શોધ ફક્ત એક ખંજર સુધી મર્યાદિત નથી, પણ પશ્ચિમી પોમેરેનિયાના ઇતિહાસ, સંસ્કૃતિ અને વ્યાપાર સંબંધો પર પણ નવો પ્રકાશ પાડી શકે છે.