Apple Sized Stone Found in Woman Stomach: વૃદ્ધ મહિલાના પેટમાંથી મળી સફરજન જેટલી મોટી પથરી
Apple Sized Stone Found in Woman Stomach: ક્યારેક કોઈ સામાન્ય લાગતી બીમારી પાછળ કંઈક એવું છુપાયેલું હોય છે જેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. ચીનમાં એક આવા કિસ્સો સામે આવ્યો, જ્યાં 70 વર્ષીય એક વૃદ્ધ મહિલા, વેઈ, સતત પેટના દુખાવાની ફરિયાદ લઈને હોસ્પિટલ પહોંચી. તપાસ દરમ્યાન ડોકટરો ચોંકી ગયા, કારણ કે મહિલાના પિત્તાશયમાં સફરજન જેટલી મોટી પથરી હતી, જે સતત વધતી જતી હતી અને તેમને ભારે પીડા આપી રહી હતી.
દોઢ વર્ષ પહેલા વેઈને પિત્તાશયમાં પથરી હોવાનું નિદાન થયું હતું. પરંતુ ઉંમર અને પાચન સમસ્યાઓને કારણે તેમણે તત્કાલિન સારવાર ન કરાવવાનું નક્કી કર્યું. શરૂઆતમાં પથરીનો કદ નાનું હતું અને કોઈ ગંભીર લક્ષણો દેખાતા ન હતા. પરંતુ સમય જતા, જ્યારે દુખાવો અસહ્ય બની ગયો, ત્યારે પરિવારજનો ચિંતિત થઈ ગયા અને તેમને ચીનની ગુઇયાંગ સ્થિત સ્ટોન ડિસીઝ હોસ્પિટલમાં દાખલ કર્યા.
જ્યારે ડોકટરોની ટીમે અલ્ટ્રાસાઉન્ડ કર્યું, ત્યારે સ્પષ્ટ થયું કે પથરીનું કદ આશરે 7 સેન્ટીમીટર અને વજન 125 ગ્રામ છે. સામાન્ય રીતે, આટલી મોટી પથરી હોય ત્યારે પિત્તાશય કાઢી નાખવો પડે, પરંતુ સર્જરી ટીમે ‘થ્રી-મિરર એન્ડોસ્કોપિક ટેકનિક’ દ્વારા પિત્તાશયને બચાવતા પથરી કાઢી નાખી. આ પદ્ધતિ ઓછી આક્રમક હોવાથી દર્દીને ઝડપથી સ્વસ્થ થવામાં મદદ મળી.
“મારા 20 વર્ષના અનુભવી કરિયરમાં આ સૌથી મોટી અને ભારે પિત્તાશય પથરી હતી,” ડોક્ટર ઝાંગ ઝિઓંગે જણાવ્યું. મહત્વની વાત એ છે કે હવે વૃદ્ધ મહિલા સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમને રજા આપવામાં આવી છે. ડોક્ટરોએ તેમની આહાર અને જીવનશૈલી પર ખાસ ધ્યાન આપવાની સલાહ આપી છે.