Batteries made from nuclear waste: વિજ્ઞાનીઓ તબાહી સર્જી શકે એવા કચરામાંથી વીજળી બનાવશે!
Batteries made from nuclear waste: માનવજાતે સદીઓથી પ્રગતિના નામે પૃથ્વીના સંસાધનોનું વ્યાપક શોષણ કર્યુ છે. તે જ સમયે, વૈજ્ઞાનિકો નવી શોધો દ્વારા વિશ્વને આગળ વધારવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તાજેતરમાં, એક એવી શોધ કરવામાં આવી છે, જે સાંભળીને તમે ચોક્કસ ચોંકી જશો. વૈજ્ઞાનિકો હવે એવા પદાર્થમાંથી વીજળી ઉત્પન્ન કરવાની તૈયારીમાં છે, જે વિશ્વ માટે વિનાશકારક સાબિત થઈ શકે છે.
પરમાણુ કચરાને ઊર્જાના સ્ત્રોતમાં પરિવર્તિત કરવાનો પ્રયોગ
પરમાણુ ઊર્જા કાર્બન-મુક્ત ઊર્જાનો એક મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે, પરંતુ તે સાથે જ કિરણોત્સર્ગી કચરાની સમસ્યા પણ લાવે છે. સંશોધકોએ હમણાં એક નવી પદ્ધતિ વિકસાવી છે, જેનાથી આ કચરાનો ઉપયોગ માઇક્રોઇલેક્ટ્રોનિક્સ માટે બેટરી બનાવવા માટે થઈ શકે.
યુનાઇટેડ સ્ટેટ્સના સંશોધકોએ પરમાણુ કચરામાં રહેલા Gamma રેડિયેશનની મદદથી માઇક્રોચિપ્સ ચલાવવા માટે ઊર્જા ઉત્પન્ન કરવાનો પ્રયાસ કર્યો. હાલમાં, આ શક્તિ નાના સેન્સર માટે મર્યાદિત છે, પણ વૈજ્ઞાનિકોને આશા છે કે ભવિષ્યમાં તેને વધુ વ્યાપક બનાવી શકાય. ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના પરમાણુ ઇજનેર રેમન્ડ કાઓના જણાવ્યા મુજબ, “અમે કચરાને ઉપયોગમાં લઇ એને એક કિમતી સ્ત્રોતમાં ફેરવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”
પરમાણુ ઊર્જાનો નવો વિકલ્પ?
આજના સમયમાં, વિશ્વની કુલ ઊર્જા જરૂરિયાતમાં લગભગ 10% પરમાણુ ઊર્જાથી પૂરી કરવામાં આવે છે. તે પરંપરાગત ઇંધણનો એક પ્રભાવશાળી વિકલ્પ છે. જો વૈજ્ઞાનિકો પરમાણુ કચરાને ઊર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગી બનાવી શકે, તો તે ઊર્જા ક્ષેત્રમાં એક ક્રાંતિ સમાન હશે.
રેડિયોએક્ટિવ બેટરી: કેવી રીતે કાર્ય કરે છે?
આ બેટરી ઊર્જા ઉત્પન્ન કરવા માટે બે તબક્કે કાર્ય કરે છે. પહેલા તબક્કામાં, સિન્ટિલેટર ક્રિસ્ટલ કિરણોત્સર્ગને પ્રકાશમાં રૂપાંતરિત કરે છે, અને ત્યારબાદ, સૌર કોષ આ પ્રકાશને વીજળીમાં ફેરવે છે.
વિજ્ઞાનીઓ દ્વારા તૈયાર કરાયેલા પ્રોટોટાઇપ બેટરીનું કદ 4 ઘન સેન્ટિમીટર (0.24 ઘન ઇંચ) જેટલું હતું. જ્યારે બે વિવિધ કિરણોત્સર્ગી તત્વો – સીઝિયમ-137 અને કોબાલ્ટ-60 – નો ઉપયોગ કરી પરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારે બેટરીએ અનુક્રમે 288 નેનોવોટ અને 1.5 માઇક્રોવોટ ઊર્જા ઉત્પન્ન કરી.
ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના એરોસ્પેસ એન્જિનિયર ઇબ્રાહિમ ઓક્સુઝના જણાવ્યા પ્રમાણે, “આ શોધ હાલ તેના પ્રારંભિક તબક્કામાં છે, પણ ભવિષ્યમાં મોટા પાયે ઉત્પાદન દ્વારા વધુ ઊર્જા ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.”
જો આ ટેક્નોલોજી સફળ સાબિત થશે, તો એ માત્ર પર્યાવરણની રક્ષા માટે નહીં, પણ ઊર્જા ક્ષેત્રમાં નવો ક્રાંતિકારી બદલાવ લાવશે.