Fuel Price Breakdown in India: પેટ્રોલ-ડીઝલના ભાવનું માળખુ, સરકાર કેટલો ટેક્સ વસૂલ કરે છે અને કિંમત કેવી રીતે નક્કી થાય છે?
Fuel Price Breakdown in India: ભારતમાં ઈંધણના ભાવો સતત બદલાતા રહે છે. આજે સવારે જ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. હવે પેટ્રોલ પર પ્રતિ લિટર ₹13 અને ડીઝલ પર ₹10 એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવશે. આ સિવાય પણ અનેક પ્રકારના ટેક્સ અને ચાર્જ વેરા રૂપે લેવામાં આવે છે, જેને કારણે ગ્રાહક સુધી પહોંચતી કિંમત ઘણી વધી જાય છે.
ઈંધણના ભાવ ચાર મુખ્ય ઘટકો પર આધાર રાખે છે:
- ક્રૂડ ઓઈલની મૂળ કિંમત
- કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યુટી
- રાજ્ય સરકારનો વેટ
- ડીલર કમિશન અને અન્ય ચાર્જ
ભારતમાં ક્રૂડ ઓઈલની કિંમત, એક્સાઇઝ ડ્યુટી અને ડીલર કમિશન તમામ રાજ્યોમાં લગભગ સમાન હોય છે. પરંતુ દરેક રાજ્ય પોતાનું વેટ જુદું રાખે છે, જેના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં રાજ્યોના હિસાબે તફાવત જોવા મળે છે.
ઉદાહરણરૂપ, ક્રૂડ ઓઈલની સાચી કિંમત રૂ. 40 જેટલી હોય છે. તેમાં ઓઈલ કંપનીઓનો પ્રોસેસિંગ ખર્ચ અને બફર ચાર્જ ઉમેરતા આશરે રૂ. 55.66 થાય છે. ત્યારબાદ ડીલર કમિશન, એક્સાઇઝ ડ્યુટી અને વેટ જોડતાં તેની કિંમત રૂ. 94 થી 100 સુધી પહોંચી જાય છે.
હવે પ્રશ્ન છે કે આ પૈસામાંથી કેટલું સરકાર પાસે જાય છે? અંદાજે કુલ રકમમાંનો 45% જેટલો હિસ્સો સરકારના ખજાનામાં જાય છે – તેમાં કેન્દ્ર અને રાજ્ય બંનેનો સમાવેશ થાય છે. એટલે કે ગ્રાહક જે ભાવ ચૂકવે છે, એનો મોટો ભાગ કરવેરા માટે જ હોય છે.