Life in English Prison: ઇંગ્લેન્ડની જેલનો અનુભવ, મહિલાએ જણાવ્યું કે કેદીઓનો દિવસ કેવી રીતે પસાર થાય છે
Life in English Prison: જેલનું નામ સાંભળતા જ ડર લાગે એ સ્વાભાવિક છે. આપણે જેલની દુનિયા ફક્ત ફિલ્મો કે કથાઓમાં જ જોઈ હશે, પરંતુ જેલમાં રહેલા કોઈ વ્યક્તિ માટે ત્યાંનું જીવન કઈ રીતે પસાર થાય છે તે વાસ્તવિક અનુભૂતિ છે. તાજેતરમાં જોડી નામની એક મહિલાએ ઈંગ્લેન્ડની પીટરબરો જેલમાં પોતાના અનુભવ અંગે એક વીડિયો દ્વારા જાણકારી આપી હતી.
જોડીના જણાવ્યા પ્રમાણે, જેલમાં દિવસની શરૂઆત સવારે 7:10 વાગ્યે થાય છે. કેદીઓને નાસ્તા માટે બહાર લાવવામાં આવે છે અને 20 મિનિટ પછી તેમને પાછા સેલમાં મોકલી દેવામાં આવે છે. ત્યારબાદ, 7:30 વાગ્યે કસરત માટે 30 મિનિટનો સમય આપવામાં આવે છે. કેટલાક કેદીઓ માટે એ સમય જેલના અન્ય ભાગોમાં ફરવા માટે પણ ફાળવવામાં આવે છે, જ્યાં પોલીસકર્મીઓ તેમની નજર રાખે છે. 8:40 વાગ્યે કામ અથવા શિક્ષણ વર્ગો શરૂ થાય છે, જે 11:15 સુધી ચાલે છે. ત્યારબાદ, 11:50 સુધી થોડો ફ્રી સમય મળે છે.
લંચ બ્રેક બપોરે 12 વાગ્યે મળે છે, જે માત્ર 20 મિનિટ માટે હોય છે. જો કોઈ મુલાકાત માટે આવે, તો તે 1:40 સુધી મળી શકે છે, નહીંતર ફરીથી સેલમાં બંધ કરી દેવામાં આવે છે. જોડીના જણાવ્યા મુજબ, તેમને ખુલ્લી હવામાં બહાર જવાની મંજૂરી નહોતી. સાંજે 5:15 વાગ્યે રાત્રિભોજન આપવામાં આવે છે, અને 6:40 વાગ્યે તેઓને બીજા દિવસે સવાર સુધી સેલમાં બંધ કરી દેવામાં આવે છે.
જોડીના અનુભવ મુજબ, જેલનું જીવન તકલીફભર્યું તો છે, પણ જે રીતે ફિલ્મોમાં બતાવવામાં આવે છે તેનાથી થોડું અલગ છે.