અજબ-ગજબ ડેસ્કઃ ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. વાર તહેવારમાં ગાય માતાની પૂજા કરવામાં આવે છે. ત્યારે ગાય અને મનુષ્ય વચ્ચેના સંબંધો પણ અતૂટ ગણવામાં આવી રહ્યા છે. આ પ્રેમ ભર્યા સંબંધો વધુ મહેકી ઉઠે એવો કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં એક વ્યક્તિને ગાય પ્રત્યેનો પ્રેમ અતૂટ છે. ગાય પ્રત્યેના ગાઢ પ્રેમમાં તેણે અનોખું કામ કર્યું છે. જેને જોઈને લોકોની આંખો પહોંળી થઈ ગઈ. આ પશુ પ્રેમીએ પોતાના પ્યારી ગાયને સજાવવા માટે ઘરેણાં બનાવડાવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે ગુજરાતના રહેવાસી વિજય પરસાણા પોતાની ગાય અને વાછરડાને એટલો પ્રેમ કરે છે કે તેણે તેના માટે ઘરેણાં બનાવવાનું વિચાર્યું. આ ઘરેણાં ફૂલો કે પાંદડાઓના નહીં પરંતુ સોના, ચાંદી તેમજ રત્નોથી બનાવાયા છે.
જેના માટે તેમણે અમદાવાદના એક જ્વેલરી શો-રૂમના માલિક મનોજ સોની સાથે વાત કરી. મનોજ ઘરેણાં બનાવવા તૈયાર થયા, પરંતુ તેમણે એક શરત મૂકી. તેમણે કહ્યું હતું કે જ્યારે વિજય તેની ગાયને તેના શોરૂમમાં લાવશે ત્યારે જ તે દાગીના બનાવશે.
આ શરત સ્વીકાર્યા બાદ વિજય પરસાણા તેની ગાય અને વાછરડાને શો રૂમ લઈ ગયા. જ્યાં મનોજ સોનીએ ગાયને માત્ર શણગારી જ નહીં પરંતુ તેની આરતી પણ કરી હતી. ગાય-વાછરડા ઉપર ફૂલો પણ વરસાવ્યા હતા.
આ દરમિયાન વિજયનો આખો પરિવાર અને શો રૂમનો સ્ટાફ પણ ત્યાં હાજર હતો. આખા શો રૂમને ફૂલોથી એવી રીતે શણગારવામાં આવ્યો હતો કે કોઈના લગ્ન ત્યાં થઇ રહ્યા હોય. ઝવેરાત પહેર્યા પછી ગાય અને વાછરડાને ફળ આપીને રવાના કરવામાં આવ્યા હતા.
જેને પણ આ વિશેની જાણકારી મળી તે વિજયના પશુ પ્રેમ અને મનોજની ઉદારતાની પ્રશંસા કરી રહ્યા છે. આ સમગ્ર સમારોહનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.