ચેન્નાઈઃ સામાન્ય રીતે પોલીસ કર્મચારી બાઈક કે કાર કે પછી અન્ય વાહન ચાલકને ઊભો રાખે ત્યારે ચોક્કસ લાગે કે કોઈ દંડ ફટકારશે. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસ કર્મચારી બાઈક ચાલકને અટકાવે છે પરંતુ પોલીસ તેને દંડ ફટકારવાના બદલે એક દવાની બોટલ આપી હતી. આગળ જતી બસમાં બેઠેલી વૃદ્ધાને આપવા માટે કહ્યું હતું. આ વીડિયોને લોકોએ ખુબ જ પસંદ કર્યો હતો.
આ પોલીસકર્મીએ એક બાઇકરને અટકાવ્યો હતો. જોકે, બાઇકરને દંડ કરવા માટે નહીં પરંતુ એક ભલા કામ કરવા માટે અટકાવ્યો હતો. હકીકતમાં એક બાઇકર તમિલનાડુના ટેનકાસી ખાતે જઈ રહ્યો હતો, આ દરમિયાન એક પોલીસકર્મીએ તેને અચાનક અટકાવ્યો હતો.
આ અંગેનો વીડિયો એક યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસકર્મી બાઇકરને પૂછી રહ્યો છે કે શું તે કર્ણાટકનો છે. બાઇકર જ્યારે હા કરે છે ત્યારે પોલીકર્મી તેને કહે છે કે, તું જઈ રહ્યો છે તો રોડ પર આગળ એક સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ જઈ રહી છે. જેમાં એક વૃદ્ધ મહિલા બેઠા છે. એ વૃદ્ધ મહિલાની દવાની એક બોટલ નીચે પડી ગઈ છે. જે બાદમાં પોલીસકર્મી દવાની બોટલ આપીને બાઇક ચાલકને તે બસને પકડવાનું કહે છે અને તે બોટલ વૃદ્ધાને આપવાનું કહે છે.
જે બાદમાં બાઇકર પોતાની બાઇકની ઝડપ વધારે છે અને બસનો પીછો કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બાઇકર તે બસને શોધી કાઢે છે અને તેના ડ્રાઇવરને બસ થોભાવવાનો ઇશારો કરે છે. બસ ઊભી રહેતા જ બાઇકર જે મહિલાની દવાની બોટલ પડી ગઈ હતી તેને તે સોંપી દે છે.
આ વીડિયો યુ-ટ્યુબ પર પોસ્ટ કરવામાં આવ્યા બાદ તેને ત્રણ લાખથી પણ વધારે વખત જોવામાં આવી ચૂક્યો છે. આ વીડિયો પર લોકો અવનવી કૉમેન્ટ્સ કરી રહ્યા છે. અનેક યૂઝર્સ પોલીસકર્મી અને બાઇક ચાલકની પ્રશંસા કરી રહ્યા છે. અમુક લોકો એવા પણ છે જેઓ આ ઘટનાને ડ્રામા ગણાવી રહ્યા છે. તમે આ ઘટના વિશે શું માનો છો?