Tiger Attack During Circus Stunt: સર્કસમાં ભયાનક ઘટના, વાઘે કલાકારનો હાથ પકડી લીધો!
Tiger Attack During Circus Stunt: ઇજિપ્તના તાંતા શહેરમાં એક સર્કસ શો દરમિયાન ભયાનક ઘટના બની, જેને જોઈને પ્રેક્ષકો ચોંકી ગયા. મંગળવારે સાંજે, એક કલાકાર વાઘ સાથે કરતબ બતાવી રહ્યો હતો. મોટા પાંજરામાં અનેક વાઘ હતા, અને કલાકાર લોખંડના સળિયામાંથી પોતાનો હાથ અંદર નાખતા જ એક વાઘ અચાનક ગુસ્સે થયો અને વીજળીની ઝડપે તેનો હાથ પકડી લીધો.
તરત જ સર્કસમાં ચીસો અને ભયનો માહોલ છવાઈ ગયો. પ્રેક્ષકોમાં નાસભાગ મચી ગઈ. કલાકારનો હાથ વાઘના જડબામાં ફસાઈ ગયો હતો, અને તે ભારે આંચકા મારતો રહ્યો. સર્કસના કર્મચારીઓ તેને બચાવવા માટે લાકડીઓ સાથે દોડી આવ્યા, પણ વાઘ વધુ ગુસ્સે થઈ ગયો. થોડા પળોમાં બીજો વાઘ પણ નજીક આવી ગયો, જેનાથી ભય વધુ વધી ગયો.
ઘણી જહેમત પછી વાઘે કલાકારને છોડ્યો, પણ ત્યાં સુધીમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ચૂક્યો હતો. તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પણ ગંભીર ઈજાઓના કારણે ડોક્ટરોને તેનો હાથ કાપવો પડ્યો.
આ ઘટનાને પગલે સ્થાનિક વહીવટીતંત્રે સર્કસ શો પર પ્રતિબંધ મૂક્યો અને પ્રાણીઓની સલામતી અંગે તપાસના આદેશ આપ્યા. હવે ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.